1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 એપ્રિલ 2020 (14:38 IST)

Vadodara- છેલ્લા 4 દિવસમાં વડોદરામાં કોવિડ-19નો એકપણ કેસ પોઝિટીવ નથી,અત્યાર સુધી 97 રિપોર્ટ નેગેટિવ

વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વડોદરામાં શનિવારે એક પુરૂષનો કોરાના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વડોદરામાં અત્યાર સુધી 108 સેમ્પલ લેવાયા છે. જે પૈકી 97 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 9 દર્દીના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે તે પૈકી એક દર્દી કોરોના મુક્ત થતાં તેને મંગળવારે રજા આપી દેવાઇ છે અને 2 નમૂના રિજેક્ટ કરવામાં આવ્યા છે. લોકડાઉનને પગલે રાજ્યભરમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે સવારથી જ વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર ભીડ લાગી ગઇ હતી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોએ પડાપડી કરી હતી અને પોલીસે લોકોને હટાવવાની ફરજ પડી હતી. બીજી તરફ પીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને પુરવઠાની કચેરી પર પહોંચેલા રાજ્યના મંત્રી યોગેશ પટેલનો ઘેરાવ કરીને અનાજ આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે મહિલાઓ રડી પડી હતી. વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે. વડોદરા શહેરના હુજરાત પાગા ખાતે લોકોએ સવારે 6 વાગ્યાથી જ રાશનની દુકાનની બહાર લાઇનો લગાવી હતી.  જોકે અનાજ આપતા ન હોવાથી લોકો 7 વાગ્યે ફરીથી આવ્યા હતા. અને ત્યારે પણ અનાજ ન મળતા લોકોએ ફરીથી 8 વાગ્યે લાઇનો લગાવી હતી. આ સમયે એપીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકો કોઠી સ્થિત પુરવઠાની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં હાજર રાજ્યના મંત્રી યોગેશ પટેલ સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી. દિલ્હીના તબ્લિકી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ભારત સહિત 15 દેશના અંદાજે 1700 લોકો ભેગા થયાં હતાં.  જેમાંથી 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9 લોકોના મોત થઈ ગયા છે. તબ્લિકી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાતના પણ અનેક લોકો ભાગ લેવા ગયા હોવાની જાણ થતા રાજ્ય સરકાર દોડતી થઈ ગઇ છે. અને  મરકઝમાં ગયેલા લોકોને શોધી રહી છે. વડોદરાના 5 લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તેમની ઓળખ કરીને 5 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.