1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 માર્ચ 2023 (23:36 IST)

અમદાવાદમાં પતિના અવસાન બાદ પત્નીને પોલીસીના 59 લાખ મળ્યા, બંટી બબલી 28 લાખ લઈ ફરાર

અમદાવાદમાં પતિના અવસાન બાદ પત્નીને પોલીસીના 59 લાખ મળ્યા, બંટી બબલી 28 લાખ લઈ ફરાર
ગુજરાતમાં છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓ સાથે કે પછી કોઈ સંબંધી સાથે જાણિતાઓ દ્વારા થતી ઠગાઈની ઘટનાઓ વધુ થવા માંડી છે.

શહેરમાં પતિના અવસાન બાદ પત્નીને મળેલા વિમાના પૈસાનું રોકાણ કરવા જતાં બંટી બબલીએ 28 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી બંટી બબલીએ કોટક બેંકમાં નોકરી હોવાનું કહીને પરિવાર સાથે વિશ્વાસ કેળવીને એકના ડબલની લાલચ આપી રોકાણ કરાવી લીધું હતું તેમજ ઉછીના પૈસા લઈને ફરાર થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી પરીણિતાના પતિ 2017માં અસાધ્ય રોગના કારણે મૃત્યુ પામ્યા હતાં. તેમની વિમા પોલીસીમાં પત્ની નોમીની તરીકે હોવાથી તેને 59 લાખ રૂપિયાની વિમાની રકમ મળી હતી. પતિના અવસાન બાદ તે પિતાના ઘરે રહેવા ગઈ હતી. તેના પિતાના ઘરે અવારનવાર વિજય રાઠોડ અને હિના પરમાર આવતા જતાં રહેતા હતાં. જેથી તેમની સાથે સંબંધ કેળવાયો હતો. આ બંને જણાને ફરિયાદી મહિલાએ કહ્યું કે મારા પતિની વિમા પોલીસીના પૈસા આવ્યા છે તો તેનું સારી જગ્યાએ રોકાણ કરવાનું છે. આ બંને બંટી બબલીએ કોટક બેંકમાં નોકરી છે એમ કરીને વિશ્વાસ કેળવીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ રોકડા રૂપિયા વિજય રાઠોડને આપ્યા હતાં. ત્યાર બાદ આ બંટી બબલીએ પૈસા અને સોનાના દાગીના પણ આ ફરિયાદી પાસેથી કઢાવ્યા હતાં અને તેમાંથી ડબલ રકમ આપવાની વાત કરી હતી. બંટી બબલીએ ફરિયાદી પાસેથી લીધેલા 60 લાખમાંથી 57 લાખ પરત કરી દીધા હતાં પરંતુ સોનું અને ફરિયાદીની દીકરીના પૈસા કુલ 28 લાખથી વધુની રકમ ચાંઉ કરીને આ બંટી બબલી ફરાર થઈ ગયા હતાં. આ મામલે ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.