બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 13 એપ્રિલ 2023 (15:38 IST)

અમદાવાદમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો, એક તરફી પ્રેમીએ સગીરાના ગળા પર છરી ફેરવી

crime
અમદાવાદમાં પ્રેમ સંબંધમાં આંધળા થયેલા લોકો કોઈપણ હદ સુધી જઈ શકે છે. શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ એક ઘટના બનતા રહી ગઈ છે. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ સગીરાને પકડીને કહ્યું હતું કે, તુ મારી સાથે લગ્ન કેમ નથી કરતી એમ કહીને તેણે સગીરાના ગળા પર છરી મારી દીધી હતી. સગીરાએ બુમા બુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.


સગીરાએ એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપી યુવક છેલ્લા એક મહિનાથી સગીરાની પાછળ પાછળ ફરતો હતો. જુના વાડજ વિસ્તારમાં રહેતી સગીરાએ ભરત બોડાણા નામના વ્યક્તિ સામે છેડતી તેમજ હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી છે. સગીરા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે રાત્રે તે મરચુ અને શાકભાજી લેવા માટે ગઈ હતી આ દરમિયાન ભરત બોડાણા તેની પાછળ પાછળ આવ્યો અને અને તેના ગળા પર છરી મારીને હત્યાની કોશિષ કરી હતી. ભરત તેનો એક મહિનાથી પીછો કરતો હતો. તેની સાથે વારંવાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. ગઈકાલે સગીરા ઘરેથી શાકભાજી લેવા નીકળી ત્યારે આરોપી ભરતે તેને ઉભી રાખી અને મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે તેમ કહીને તરત સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી. સગીરાને ગંભીર ઈજા થતાં તે ઢળી પડી હતી. આ દરમિયાન આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક સગીરાને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડી હતી. હાલમાં તેની હાલત નાજુક છે. વાડજ પોલીસે ભરત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.