સમગ્ર દેશમાં વિજળી અંગે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 24 કલાક વિજળી મળે છે. આ દાવા સાથે એક નવો ખુલાસો પણ માર્કેટમાં ચર્ચાઈ રહ્યો છે. જેમાં એવું સાંભળવા મળ્યું છે કે ગુજરાતની મોંઘી દાટ વિજળી કોઈ ખરીદવા તૈયાર નથી. ગુજરાતની વીજ કંપનીઓ મેરિટ લિસ્ટમાં ૪૦માં ક્રમથી બહાર આવતી હોવાથી અને તેમની વીજળી મોંઘી પડતી હોવાથી ગુજરાત સરપ્લસ પાવર સ્ટેટ હોવા છતાંય તેની વીજળીના બહુ ઓછા લેવાલ જોવા મળી રહ્યા છે. તેની ઉત્પાદન ક્ષમતાનો પૂરો વપરાશ કરવામાં ન આવતો હોવાથી જ ગુજરાતમાં પેદા કરવામાં આવતી વીજળી મોંઘી પડી રહી છે. આમ સરપ્લસ પાવર પ્રોડયુસર હોવા છતાંય ગુજરાત તેની ક્ષમતાનો લાભ ઊઠાવી શકતું નથી.
ગુજરાત વીજ ઉત્પાદનમાં સરપ્લસ હોવા છતાંય સ્થાનિક લોકોને તેની વીજળી મોંઘી પડી રહી છે. ગુજરાત સરકારની કોલસા આધારિત વીજ કંપનીઓનો ઇંધણ ખર્ચ બહુ જ ઊંચો છે. તેને ટેકનિકલ ભાષામાં વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ ખર્ચ યુનિટદીઠ રૃા. ૨.૯૦થી માંડીને રૃા. ૩.૫૪ સુધીનો છે. આ જ રીતે ગેસ આધારિત ધુવારણ અને ઉત્રાણ પાવર પ્લાન્ટમાં પેદા થતી વીજળીનો યુનિટદીઠ વેરિયેબલ કોસ્ટ અનુક્રમે રૃા. ૩.૭૮ અને રૃા. ૪.૦૮ જેટલો ઊંચો છે. તેથી ગુજરાત સરકારની વીજ કંપનીઓ મેરિટ લિસ્ટમાં ૪૦થી બહારના ક્રમે આવે છે. તેથી જ તેની વીજળીના રાજ્યની બહાર કોઈ ખરીદનાર જ નથી.
બીજી તરફ ગુજરાત સરકારની વીજ કંપનીઓ સસ્તી વીજળી પહેલી ખરીદવાના નિયમને ઘોળીને પી જતી હોવાથી ગુજરાતના વીજવપરાશકારોને માથે વીજ બિલનો બોજ સતત વધી રહ્યો છે. ગુજરાત વીજ નિયમન પંચ પણ કહે છે કે વીજ કંપનીઓએ સૌથી પહેલા સસ્તી વીજળી જ ખરીદવી જોઈએ. આ નિયમનું પાલન ગુજરાત સરકારની વીજ કંપનીઓ કરતી જ નથી. પરિણામે ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતના વીજ વપરાશકારોને માથે વીજબિલનો બોજો ખાસ્સો વધી જશે. એનસીપીઆઈનો સપ્લાય ભાવ પહેલા ચાર ક્રમમાં અને એનટીપીસીનો સપ્લાય ભાવ પાંચથી પંદર ક્રમમાં આવે છે.