અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે. હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતિ-ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડાના પવનની ગતિ 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે. એક તરફ ભારતમાં આ ચોમાસાની શરૂઆતના દિવસો છે અને સામાન્ય રીતે હાલના દિવસોમાં કેરળ અને ભારતના બીજા કેટલાક ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું હોય છે.
				  										
							
																							
									  
	 
	જોકે, આ વર્ષે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચ્યું તે સાથે જ વાવાઝોડું સર્જાયું અને તેની પ્રગતિ પર હવે અસર થઈ રહી છે. મે મહિનાની મધ્યમાં જ બંગાળની ખાડીમાં મોખા નામનું વાવાઝોડું સર્જાયું હતું અને હવે જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે.
				  
	 
	ગુજરાતનાં બંદરો પર વૉર્નિંગ સિગ્નલ વધારવામાં આવ્યું
	ગુજરાતના બધાં બંદરો પર બિપરજોય વાવાઝોડાની તીવ્રતાની સંભાવનાને જોતાં વૉર્નિંગ સિગ્નલ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં 24 કલાકમાં બિપરજોય વાવાઝોડા વધુ તીવ્ર બને તેવી સંભાવના મંગળવારે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. માછીમારોને દરિયામાં ઊંડે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	હવામાન વિભાગે કહ્યું હતું કે, "અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા છ જૂનના સવારે 5.30 વાગ્યે પોરબંદરના 1160 કિલોમિટર દક્ષિણમાં કેન્દ્રીત થશે. ત્યાંથી વાવાઝોડું ઉત્તરની તરફ અને આવનારા 24 કલાકમાં અરબી સાગરના પૂર્વ-મધ્ય અને દક્ષિમ પૂર્વ અરબી સાગર તરફ ચક્રવાતીય તોફાન તરીકે કેન્દ્રીત થઈ શકે છે."
				  																		
											
									  
	 
	હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડિસી-2 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે.
				  																	
									  
	 
	હવામાન વિભાગ અનુસાર જે બંદરો પર ડીસી-2 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે ત્યાં સ્થાનિક સ્તરે તુરંત હવામાન પર અસર ન પડી શકે પરંતુ અહીંથી વહાણો નીકળે તો તેઓ મુશ્કેલીમાં પડી શકે છે.
				  																	
									  
	 
	અમદાવાદમાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું હતું કે, "અમે માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. આ ચેતવણી ઉત્તર ગુજરાતનાં બંદરો માટે લાગુ કરવામાં આવી છે. અને જો માછીમારો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં ગયા હોય તો તેમણે તત્કાલ પાછા આવવું જોઈએ."
				  																	
									  
	 
	વાવાઝોડું કેટલું ભયાનક હશે?
	 
	ભારતના હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે આ વાવાઝોડું અતિ-ભીષણ ચક્રવાતમાં ફેરવાશે, એટલે કે તેમાં પવનની ગતિ ખૂબ વધારે હશે.
				  																	
									  
	વાવાઝોડું બન્યા બાદ પણ આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને 8 જૂનની આસપાસ પવનની ગતિ લગભગ 115 કિમી પ્રતિકલાક પહોંચે તેવી શક્યતા છે.
				  																	
									  
	10 જૂનના રોજ ફરી સિસ્ટમ મજબૂત બનશે અને પવનની ગતિ લગભગ 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. દરિયામાં રહેલા આ વાવાઝોડની અસર ભારતના ભૂ-ભાગ પર પણ વર્તાવની શરૂ થઈ જશે.
				  																	
									  
	 
	હવામાન વિભાગના કહેવા પ્રમાણે અતિ-ભીષણ ચક્રવાતમાં ફેરવાયા બાદ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કિનારા પર પણ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સ્કાયમેટ વેધર અનુસાર અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ દિવસોમાં વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે.
				  																	
									  
	 
	વાવાઝોડું કઈ તરફ આગળ વધી રહ્યું છે?
	 
	હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધશે અને સાથે સાથે મજબૂત બનતું જશે.
				  																	
									  
	હવામાન વિભાગે વાવાઝોડાનો ટ્રૅક પણ જાહેર કર્યો છે તે પ્રમાણે વાવાઝોડું હાલ ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જોકે, લૅન્ડફૉલ ક્યાં થશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી, એટલે કે વાવાઝોડું હજી ક્યાં ટકરાશે તેના વિશે કોઈ જાણકારી નથી.
				  																	
									  
	 
	વિવિધ વેધર મૉડલો જુદી જુદી દિશા દર્શાવી રહ્યાં છે, કેટલાંક મૉડલ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધીને વળાંક લેશે અને ઓમાન તરફ જતું રહેશે. જ્યારે હાલની સ્થિતિ પ્રમાણે યુરોપિયનનું મૉડલ દર્શાવી રહ્યું છે કે વાવાઝોડું પાકિસ્તાન તરફ જઈને વિખેરાઈ જાય તેવી સંભાવના છે. જ્યારે ભારતના હવામાન વિભાગનું મૉડલ આ લખાય છે ત્યારે દર્શાવી રહ્યું છે કે ગુજરાત પાસેથી પસાર થઈને વાવાઝોડું પાકિસ્તાન પર ટકરાય તેવી સંભાવના છે.
				  																	
									  
	 
	એટલે હજી સુધી વાવાઝોડું ક્યાં ટકરાશે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. દરરોજ વેધર મૉડલ્સ અલગ અલગ ટ્રૅક દર્શાવી રહ્યાં છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું દરિયામાં જ ઉત્તર તરફ આગળ વધશે અને એકાદ- બે દિવસમાં નક્કી થશે કે તે ક્યાં ટકરાશે.
				  																	
									  
	 
	વાવાઝોડાને કારણે ચોમાસા પર અસર થશે?
	અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધીને જો ગુજરાત પાસેથી પસાર થશે તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.
				  																	
									  
	સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની અસર ચોમાસા પર થાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં વરસાદ થશે પરંતું ભારતની મધ્ય અને ઉત્તરના ભૂ-ભાગો પર ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે.
				  																	
									  
	 
	સામાન્ય રીતે જ્યારે કોઈ વાવાઝોડું સર્જાય તો તે ભેજને પોતાની તરફ ખેંચી લે છે અને બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત્ થઈ જાય છે.
				  																	
									  
	જેમ કે મોખા વાવાઝોડું સર્જાયું ત્યારે ભારતની અંદર હીટ વેવ જેવી સ્થિતિ બની ગઈ હતી અને ગુજરાતમાં ખૂબ ઝડપથી ગરમી વધી હતી. હાલ ચોમાસું 1 જૂનના રોજ અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું અને 2 જૂનના રોજ અરબી સમુદ્રમાં જ આગળ વધ્યું હતું.
				  																	
									  
	 
	જોકે, તે બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અને 6 જૂન સુધી ચોમાસું આગળ વધ્યું નથી. હવામાન વિભાગે આ વર્ષે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે 4 જૂનની આસપાસ ચોમાસું કેરળ પર પહોંચી જશે.