બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 12 જૂન 2019 (01:49 IST)

ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, રાજ્યના વહિવટીતંત્ર સજ્જ, ફુડપેકેટો અને નેવીના 500 તરવૈયા જવાનો તૈયાર

અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજ્યના વહિવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાના સામના માટે પૂરતી સજ્જતા કેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. 
સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની 7 ટીમો ઉપરાંત નેવીના 500 તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું. મ્યુ.કમિશનર સતીષ પટેલએ જણાવ્યું હતું કે, જામનગર શહેરને બે દિવસ સુધી પાણી સ્ટોરેજ કરવા માટે વધુ પાણીનો જથ્થો આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ સહાયની જરૂર પડશે તો જામનગર એરફોર્સથી હેલીકોપ્ટરો અને વાહનો મારફત ફુડપેકેટો કે અન્ય સામગ્રી પહોંચાડવા માટે જામનગરમાં 8 એન.જી.ઓ.સાથે તંત્રએ તાબડતોબ હજારો ફુડ પેકેટો બનાવવા અને મોકલવા તૈયારી રાખી છે.
 
પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 110 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. આ સ્થતને અનુસરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેકટરો અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સરકારી તંત્રને સાબદુ કરી દીધુ છે. આજે આખો દિવસ મીટીંગોનો દોર ચાલુ રહ્યો હતો તેમજ તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે.
 
સંભવિત વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવાના ભાગરૂપે વૃક્ષો ધરાશાયી થાય કે વીજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે.