1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2020 (10:47 IST)

ડાંગમાં 250 ખ્રિસ્તીઓ અગ્રણીઓ ભાજપમાં જોડાયા, કોંગ્રેસીઓ અચંબામાં

ડાંગ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીને જોતાં ઉત્તર ડાંગ વિસ્તારમાં કાલીબેલ ગામના 5 પંચાયતના સભ્યો સાથે 153 અને બારડીપાડા ગામના 250થી વધુ ખ્રિસ્તી લોકો ભાજપમાં જોડાયા હતા. જેથી કોંગ્રેસનો મોટો આંચકો લાગ્યો છે. 
 
કોંગ્રેસ ધારાસભ્ય મંગળ ગામિતના રાજીનામા બાદ ખાલી પડેલી ડાંગ વિધાનસભાની સીટ પર આગામી મહિને 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવવાની છે. તે પહેલાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ડાંગના કાલીબેલ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં 153 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો છે. જેથી વધઇ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સનત નાવજુભાઇ ચૌધરી, કેટલાક નિવૃત શિક્ષક સહિત 153 લોકો સામેલ થયા છે. આ લોકોમાં તે 2 વિસ્તારોના પ્રમુખ પણ છે જ્યાં ગત વખતે ભાજપને નુકસાન થયું હતું. 
 
જે કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા તે ગણપત વસાવાની હાજરીમાં કાલીબેલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ડાંગ પેટાચૂંટૅણીને લઇને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા સતત પ્રચાર કરી રહ્યા છે. 3 નવેમ્બરના રોજ યોજાનારી પેટાચૂંટણીને લઇને ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ લોકોમાં અબડાસાથી પ્રધ્યુમન સિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મિરજા, કપરાડાથી જીતૂ ચૌધરી, ધારીથી જેવી કાકડીયા, લીમડીથી સોમાભાઇ પટેલ, ગઢડાથી પ્રવીણ મારૂ, ડાંગથી મંગળ ગામિત અને અક્ષય પટેલના નામ સામેલ છે.