1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:35 IST)

10 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા

રાજ્યમાં આ ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે.જામનગર, અમદાવાદ અને રાજકોટમાં ડેન્ગ્યુના અનેક કેસો નોંધાયા છે જેમાં લોકોએ જાન પણ ગુમાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2019ના 10 મહિનામાં ડેન્ગ્યુના જેટલા કેસ નોંધાયા છે તેટલા 2018ના આખા વર્ષ દરમિયાન નોંધાયા હતા. 2018માં ડેન્ગ્યુના 3,135 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 3,345 કેસ નોંધાયા છે. સૂત્રો કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે.અમદાવાદમાં જો વરસાદી ઝાપટા આવતા રહેશે તો પાણી સંગ્રહ થશે અને તેના કારણે ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો વધી શકે છે. ડેન્ગ્યુને કન્ટ્રોલમાં લેવા સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશને 2,125 નોટિસ કંસ્ટ્રક્શન સાઈટોને ફટકારી હતી અને 46 સ્થળો સીલ કરાયા હતા. ઉપરાંત 6,085 ધંધાકીય એકમોને નોટિસ પાઠવવામાં આવી અને મચ્છરના બ્રીડિંગ મળતા 84ને સીલ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા બંનેનો ફેલાવો સપ્રમાણ હતો. ત્યારે 2018ની સરખામણીમાં મેલેરિયાના કેસ ઘટ્યા છે. 2018માં મેલેરિયાના 5,801 કેસ હતા જ્યારે આ વર્ષે 3,901 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનું પ્રમાણ પણ ગયા વર્ષની સરખામણીએ નીચું છે. 2018માં ચિકનગુનિયાના 194 કેસ હતા જ્યારે આ વર્ષે 108 કેસ નોંધાયા છે. અધિકારીઓનું કહેવું છે કે, તેમને રહેણાંક વિસ્તારોમાંથી મચ્છરોની 2.35 લાખ બ્રીડિંગ સાઈટ મળી અને નષ્ટ કરવામાં આવી છે.