ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (12:40 IST)

માસ પ્રમોશન મળી ગયું હોવા છતાં 100% વાલીઓને દીકરા દીકરીના ભણતરની ચિંતા

આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૂપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે  પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ.
 
પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત  રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે.
 
આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ચૂકી છે. એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતાં પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે. તે જ પ્રમાણે એક કે બે સંતાનો હોવાથી માતા-પિતા તેમને પૂરતો સમય પણ ફાળવી શકે છે.        
              મનોવિજ્ઞાન ભવને થોડા સમય પહેલા માસ પ્રમોશન મેળવનાર 10માં ધોરણના બાળકોનો સંપર્ક કરી સર્વે કરેલ જેમાં બાળકો પ્રમોશનથી સંતુષ્ટ નથી એવું તારણ આવેલ. આ સર્વે વખતે વાલીઓનો વલોપાત નજરે ચડેલ માટે મનોવિજ્ઞાન ભવને વાલીઓને રૂબરૂ મળી,  ગુગલ લિંક મોકલીને સર્વે કર્યો.  810 વાલીઓને જુદા જુદા પ્રશ્નો પૂછેલા જેનું પરિણામ નીચે મુજબ છે.     
 
 1. તમારા બાળકના માસ પ્રમોશનના રીઝલ્ટથી તમે ચિંતિત છો?
75% એ હા અને 25% એ ના કહ્યું
 
2. તમારા બાળકના ભવિષ્યને લઈને તમે સતત ચિંતિત રહો છો?
100% હા કહ્યું
 
3. તમારા બાળકનું રીઝલ્ટ આવવું જોઈએ એના કરતા ઓછું આવ્યું છે?
58.3% એ હા અને 41.7% એ ના કહ્યું
 
4. માસ પ્રમોશનના કારણે તમારી કે તમારા બાળકની મન ગમતી સ્કુલમાં એડમીશન નહિ મળે એવી ચિંતા થાય છે?
જેમાં 66.7% એ હા અને 33.3% એ ના કહ્યું
 
5.ઓનલાઇન શિક્ષણના પ્રમાણમાં રિઝલ્ટ બરાબર આવ્યું હોય એવું લાગે છે?
જેમાં 58.3% એ ના અને 41.7% એ હા કહ્યું
 
6. મહેનત મુજબ રિઝલ્ટ આવે તે માટે કોરોના મહામારીમાં પણ તમારું બાળક બીજીવાર પરીક્ષા આપે એવું ઈચ્છો છો?
જેમાં 50% એ હા અને 50% એ ના કહ્યું
 
7. પરીક્ષા આપવા કરતા સરળતાથી રિઝલ્ટ મળી ગયું માટે માસ પ્રમોશનના રિઝલ્ટથી ખુશ છો?
જેમાં 75% એ ના અને 25% એ હા કહ્યું
 
8. તમારા બાળકને એના ગમતા ફિલ્ડમાં એડમીશન નહિ મળે એનાથી ચિંતા થાય છે?
જેમાં 75% એ હા અને 25% એ ના કહ્યું
 
9. માસ પ્રમોશન મળવાથી આગળ જતા તમારા બાળકને એમની ગમતી નોકરી નહિ મળે એ બાબતથી ચિંતા થાય છે?
જેમાં 75% એ હા અને 25% એ ના કહ્યું
 
10. માસ પ્રમોશન અંગે તમારા મંતવ્યો જણાવો
પરીક્ષા વગર પાસ કરી દેવા માં આવે તો ભણતર ની કઈ કિંમત જ ના રહે
- માસ પ્રમોશનને લઈને ખાસએ ચિંતા છે કે આગળ જતાં નોકરીમાં અને કોઈ પૂછશે કે કયા વર્ષેમાં 10th પૂરું કર્યું તો અમારા બાળકને કહેવું પડશે કે 2021માં માસ પ્રમોશન... એવું કહેતા અન્ય લોકો અમારા બાળકની મજાક ઉડાવશે કે, પરીક્ષા વગર પાસ થયેલ ઓહ...અને બીજું પણ ઘણું બધું સાંભળવું પડશે હોશિયાર હશે અમારું બાળક તો પણ..... એટલે આ માસ પ્રમોશન અત્યારે તો પાસ કર્યા આગળ જતા નુકશાની થવાની શક્યતાઓ ઘણી છે.
 
- એક વાલીએ કહ્યું કે મારે ખુબ ભણવું હતું એક મારું સપનું હતું સ્કૂલ કોલેજ ફર્સ્ટ આવવાનું પણ ત્યારે આર્થિક ખેંચને કારણે હું ભણી ન શક્યો,  મેં લક્ષ્ય રાખ્યું હતું કે મારા બંને સંતાન બોર્ડ ફર્સ્ટ આવે એવી તૈયારી કરાવીશ.  મારા સંતાનો મહેનત પણ કરતા હતા..  પણ આ માસ પ્રમોશને મારા સપના પર પાણી ફેરવ્યું.
 
- એક માતાએ કહ્યું કે મારો દીકરો ફર્સ્ટ આવે રાજકોટ જિલ્લામાં તે માટે તેની કરતા વધારે ઉજાગરા મેં કર્યા,  ઘણી માનતાઓ માનેલી, મારી બધી મહેનત પાણીમાં ગઈ,  મને ખાવુ પીવું ભાવતું નથી.  મારું જ સંતાન ફર્સ્ટ ન આવી શક્યું તેનું દુઃખ છે.
 
-માસ પ્રમોશનથી હાલની પરિસ્થિતિમા શિક્ષણનું મૂલ્ય ઘટી ગયું હોય એવુ લાગે છે.
 
- માસ પ્રમોશનની મોટી અસર શિક્ષણ પર થઇ છે.માસ પ્રમોશનના કારણે પહેલા જે અમારું સંતાન ભણવામાં ધ્યાન આપતું તે હવે ડાયવર્ટ થઇ ગયું છે.હવે રમત ગમત કે મોબાઈલમા જ ધ્યાન આપે છે. જે દરેક માતાપિતા માટે ચિંતાનો વિષય હશે.