શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (12:03 IST)

વાયબ્રન્ટ ગુજરાતઃ શિક્ષિત ધારાસભ્યો કરતાં અભણ ધારાસભ્યોની આવક વધુ

શિક્ષિત હોય તે જ વધુ કમાય તેવી સામાન્ય સમજ લોકોમાં પ્રવર્તી રહી છે પણ એવુ નથી. ગુજરાતના ધારાસભ્યોની જ વાત કરીએ તો,ગ્રેજ્યુએટથી ય વધુ ભણેલા હોય તેવા ધારાસભ્યો કરતાં અભણ ધારાસભ્યોની આવક વધુ છે. એડીઆર,ગુજરાત ઇલેકશન વૉચે એક રસપ્રદ વિશ્લેષણ કર્યુ છે જેમાં વિગતો બહાર આવી છે. ગુજરાતના ધારાસભ્યોની સરેરાશ આવક રૂ.૧૮.૯૦ લાખ છે.મોટાભાગના ધારાસભ્યોએ ખેતી અને બિઝનેસને આવકનો સ્ત્રોત દર્શાવ્યો છે.
રાજ્યના ૧૬૧ ધારાસભ્યોના સોગંદનામાનુ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યુ છેકે, વઢવાણ બેઠકના ભાજપના ધારાસભ્ય ધનજીભાઇ પટેલની સૈાથી વધુ રૂ.૩.૯૦ કરોડ વાર્ષિક આવક છે જયારે સૌથી ઓછી આવક અકોટાના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલેની રૂ.૬૯ હજાર છે. રસપ્રદ વાત એછેકે,૮૫ ધારાસભ્યો એવા છેકે,જેઓ ધો.૫થી ધો.૧૨ સુધી ભણ્યાં છે. આ ઓછુ ભણેલાં ધારાસભ્યોની વાર્ષિક આવક સરેરાશ રૂ.૧૯.૮૩ લાખ છે.જયારે ૬૩ ધારાસભ્યો ગ્રેજ્યુએટથી વધુ અભ્યાસ કર્યો છે.તેમની આવક રૂ.૧૪.૩૭ લાખ રહી છે. ચાર ધારાસભ્યો તો અભણ છે છતાંય તેમની આવક રૂ.૭૪.૧૭ લાખ છે.
ઉંમરની દ્રષ્ટિએ નજર કરીએ તો,યુવા ધારાસભ્યો કરતાં ૫૦થી વધુ વયના ધારાસભ્યોની આવક સરેરાશ વધુ રહી છે. ૨૫-૫૦ વર્ષના ૫૭ ધારાસભ્યો છે.જેમની વાર્ષિક આવક રૂ. ૯.૧૧ લાખ છે જયારે ૫૧થી ૭૦ વર્ષના ૧૦૪ ધારાસભ્યોની આવક રૂ.૨૪.૧૧ લાખ રહી છે. આવકના સ્ત્રોત તરીકે ધારાસભ્યોએ સોગંદનામા દર્શાવ્યુ છેકે, ૩૩ ધારાસભ્યોએ પોતે બિઝનેસ કરે છે તેમ જણાવ્યુ છે જયારે ૫૬ ધારાસભ્યોએ પોતાની આવક માટે ખેતીને આવકના સ્ત્રોત તરીકે જણાવ્યુ છે.માત્ર ચાર ધારાસભ્યોએ કહ્યુંછેકે,તેઓ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાંચ ધારાસભ્યોએ જણાવ્યું કે,સામાજીક કાર્યકર તરીકે કામ કરી રહ્યાં છે.
આમ,પ્રજાના પ્રાણપ્રશ્નો હલ કરતાં જનપ્રતિનીધીઓની વાર્ષિક આવક લાખો રુપિયાની છે.જયારે સરકાર તરફથી મેળવતા ભાડાં,ભથ્થાં અને પગાર તો અલગ. ગુજરાતની ૧૩ મહિલા ધારાસભ્યોની ય વાર્ષિક આવક લાખો રુપિયા છે. મહિલા ધારાસભ્યની સરેરાશ વાર્ષિક આવક રૂ.૧૦.૫૩ લાખ છે. પુરુષ ધારાસભ્યોની સરખામણીમાં મહિલા ધારાસભ્યોની આવક ઓછી રહી છે. પુરુષ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ.૧૯.૭૪ લાખ છે. સાત મહિલાઓએ પોતાની વાર્ષિક આવક માટે ખેતી દર્શાવી છે. સૌથી વધુ રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાની આવક રૂ.૨૫.૬૧ લાખ છે જયારે સૌથી ઓછી આવક અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની રૂ.૬૯ હજાર રહી છે. મહિલા ધારાસભ્યમાં ય સંતોકબેન અશિક્ષિત છે છતાંય અન્ય ગ્રેજ્યુએટ મહિલા ધારાસભ્યોની સરખામણીમાં વધુ આવક છે.
ધારાસભ્યોની આવકનો સ્ત્રોત
૩૩ ધારાસભ્યો : બિઝનેસ
૫૬ ધારાસભ્યો : ખેતી
૪ ધારાસભ્યો : રિયલ એસ્ટેટ
૫ ધારાસભ્ય : સામાજીક સેવાઓ
ગ્રેજ્યુએટથી વધુ ભણેલાં ૬૩ ધારાસભ્યો :રૂ.૧૪.૩૭ લાખ
ધો.૫-૧૨ સુધી ભણેલાં ૮૫ ધારાસભ્યો : રૂ.૧૯.૮૩ લાખ
અભણ ૪ ધારાસભ્યો : રૂ.૭૪.૧૭ લાખ


ધારાસભ્યોની ઉંમર
૨૫-૫૦ વર્ષના ૫૭ ધારાસભ્યો : રૂ.૯.૧૧ લાખ
૫૧-૮૦ વર્ષના ૧૦૪ ધારાસભ્યો : રૂ.૨૪.૧૧ લાખ
પુરુષ ધારાસભ્યોની સરેરાશ આવક : રૂ.૧૯.૭૪ લાખ
મહિલા ધારાસભ્યોની સરેરાશ આવક : રૂ.૧૦.૫૩ લાખ