સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (17:37 IST)

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

શહેરમાં ખાઉગલી પાસે આવેલા પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે એક કાર ધડાકાભેર દુકાનમાં ધુસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદ રહેતો પરિવાર કારમાં ફરવા નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઇ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં દુકાનનું શટર, કાચ, ટેબલો તેમજ દુકાનના દીવાલની પિલરોમાં પણ ભારે નુકસાન થયું હતું. તેમજ દુકાનની બહાર પાર્ક એક બાઇકને પણ હવામાં ફંગોળતા કચ્ચરધાણ વળી ગયો હતો.
 
કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ રહેતો પરિવાર કારમાં ફરવા નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઇ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ હતી. કાર આટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ પણ ખુલ્લી ગયા હતા. આ કારમાં એકજ પરિવારના બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા. કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓમાંથી એક બાળક મિહિરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય વ્યક્તિઓને નાના-મોટી ઇજા પહોંચતા તમામને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાર જે દુકાનમાં ઘૂસી ગઈ હતી તે દુકાનના ઓટલે દિનેશભાઈ ગાંધી નામના વૃદ્ધ સુતા હતા. તેમની ઉપર કાર ફળી વળતા લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
 
કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવેલું હતું
આ અકસ્માત સર્જાતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને રસ્તા ઉપર ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી જઈ રસ્તા પર ટ્રાફિકને દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. કારના આગળનો બોનેટનો ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ નાઘેર પાંઉભાજીની દુકાનના માલિક બીપીનભાઈ છગનભાઈ બાંભણીયાને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અમદાવાદનો પરિવાર જે કારમાં સવાર હતો તે કારના આગળના ભાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવેલું હતું તેમજ પાછળના ભાગે કાચમાં ડોક્ટરનો સિમ્બોલ મારેલો જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી હતી.