બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (11:04 IST)

હજીરા-મુંદ્રા સહિતના ગુજરાતનાં બંદરોને રેલવે સાથે જોડવાના પ્રયાસો પૂરજોશમાં

કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશનાં હસ્તે આજે સુરત-ઉધના રેલવે સ્ટેશનોએ બહુવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓમાં નવાં પ્લેટફોર્મ, એસ્કેલેટર્સ અને ફૂટ ઑવર બ્રિજનાં વિસ્તરણ, કવરશેડનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ ગંગાધરા સ્ટેશને નવાં પાર્સલ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઉધના રેલવે સ્ટેશને યોજાયેલા સમારોહમાં માનનીય સંસદ સભ્યો સી. આર. પાટીલ અને પ્રભુભાઇ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ધારાસભ્યો અને પશ્ચિમ રેલવેના ડીઆરએમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
સમારોહને સંબોધતા દર્શનાબેને કહ્યું કે રેલવે યાત્રી સુવિધાઓની સાથે કાર્ગો સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મુંદ્રા અને સુરતના હજીરા સહિતનાં ગુજરાતનાં બંદરોને રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાનાં પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. લાસ્ટ માઇલ ડિલિવરી માટે રેલવેએ કમર કસી છે અને એ માટેની સુવિધાઓ ઉમેરાઇ રહી છે.
 
બજેટમાં રેલવે માટે કરવામાં આવેલી અત્યાર સુધીની સર્વાધિક ફાળવણીનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટની અપાર સફળતાથી પ્રેરાઇને નાણાં મંત્રીએ બજેટમાં રેલવે માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટનો વિચાર રજૂ કર્યો છે એનાથી સ્થાનિક પેદાશો માટેની સપ્લાય ચેઇનને પ્રોત્સાહન મળશે. નવી 400 વંદે ભારત ટ્રેનો શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે આઝાદીના અમૃત કાળમાં રેલવે નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યું છે. પીએમ ગતિશક્તિ યોજનામાં પણ રેલવે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. પીએમ ગતિશક્તિની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.
 
તેમણે જણાવ્યું કે કોરોનાકાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને આ અનાજનું પરિવહન રેલવેના માધ્યમથી થયું હતું. બીજી લહેર દરમ્યાન ઑક્સિજન ટેન્કર્સ પણ રેલવે દ્વારા સમયસર દેશના વિવિધ ભાગોમાં પહોંચાડાયા હતા.
 
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન પણ રેલવે સ્ટેશનથી શરૂ થયું હતું અને આજે એમનાં માર્ગદર્શન હેઠળ રેલવેની કાયાપલટ થઈ રહી છે. સુવિધાઓ વધી છે, સ્વચ્છતા વધી છે અને એને જાળવવાની આપણા સૌની જવાબદારી છે. રેલવે માટે કવચ સૉફ્ટવેર વિકસાવાયું છે જે સલામતીને મજબૂત બનાવશે. અગાઉ પીપીપી ધોરણે પુન:વિકસિત થનાર હતા એ સુરત અને ઉધના સહિતનાં 100 સ્ટેશનોને રેલવે હવે જાતે વિકસાવશે.
 
ઉધના રેલવે સ્ટેશન પર નવી ઉતારુ સુવિધાઓ
નવાં પ્લેટફોર્મ નંબર 4 અને 5: ઉધના રેલવે સ્ટેશને કુલ રૂ. 3.25 કરોડના ખર્ચે બે નવાં પ્લેટફોર્મ (4 અને 5) શરૂ કરાયાં છે. પ્લેટફોર્મની લંબાઇ 640 મીટર અને પહોળાઈ 10.67 મીટર છે અને 2374.40 ચોરસમીટરનો શેડ બનાવાયો છે. અહીં 160 યાત્રીઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને દરેક છેડે એક એમ બે શૌચાલય બ્લૉક અને પીવાનાં પાણીના 50 નળની વ્યવસ્થા છે.
 
પ્લેટફોર્મ નંબર 1 પર એસ્કેલેટર: ઉધના સ્ટેશને દક્ષિણી ફૂટ ઓવર બ્રિજને જોડતું એસ્કેલેટર રૂ. 1 કરોડના ખર્ચે શરૂ કરાયું છે. આનાથી દિવ્યાંગો, વૃદ્ધો, સગર્ભાઓ અને બાળકોને વિશેષ લાભ થશે.
 
દક્ષિણી ફૂટ ઑવર બ્રિજનું વિસ્તરણ:  ઉધના સ્ટેશનના દક્ષિણ એફઓબીને પૂર્વની બાજુએ 260 રનિંગ મીટર વિસ્તારવામાં આવ્યો છે. રૂ. 8 કરોડના ખર્ચે સંપન્ન આ પરિયોજનાથી પૂર્વથી પશ્ચિમ બેઉ બાજુએ યાત્રીઓનું આવાગમન સરળ બનશે અને રેલવે કર્મચારીઓની સલામતી પણ સુનિશ્ચિત થશે.
 
સુરત રેલવે સ્ટેશન પર નવી ઉતારુ સુવિધાઓ
દક્ષિણી ફૂટ ઑવર બ્રિજનું વિસ્તરણ: ફૂટ ઑવર બ્રિજના નવા પૂર્વ તરફના સ્પાનનું નિર્માણ એક કરોડ રૂપિયાના ખર્ચે સપ્ટેમ્બર 2021માં શરૂ થયું અને ડિસેમ્બર 2021માં પૂર્ણ કરી દેવાયું. આ એફઓબી પ્લેટફોર્મ નંબર 4ને પ્લેટફોર્મ નંબર 2/3 અને 1 સાથે જોડે છે. આનાથી યાત્રીઓને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવાનું સરળ બનશે.
 
પ્લેટફોર્મ નંબર 4 પર નવું એસ્કેલેટર: યાત્રીઓની સુવિધા માટે પ્લેટફોર્મ નંબર 4ના દક્ષિણી એફઓબી પર એક નવું એસ્કેલેટર 1 કરોડના ખર્ચે મૂકાયું છે. અહીં પ્લેટફોર્મ નંબર 1 પર પહેલેથી જ એક એસ્કેલેટર છે અને પ્લેટફોર્મ નંબર 2/3ને જોડવા એક લિફ્ટની વ્યવસ્થા છે.
 
સીસી ટીવી કેમેરા અને કૉચ ગાઇડન્સ સિસ્ટમ: સુરત રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર ઉચ્ચ ગુણવત્તાવાળા 11 સીસીટીવી કેમેરા લગાવાયા છે. પ્લેટફોર્મ નંબર 4 પર કૉચ ગાઇડન્સ સિસ્ટમ પણ લગાવાઇ છે. આમ આ પ્લેટફોર્મ હવે 24 કૉચ ગાઇડન્સ બૉર્ડ અને એટ એ ગ્લાન્સ ડિસ્પ્લે બૉર્ડથી સુસજ્જ છે. યાત્રીઓને આનાથી કૉચની સ્થિતિ જાણવામાં સરળતા રહેશે.
 
પ્લેટફોર્મ નંબર 4 પર કવર શેડ અને સુધારા: સુરત રેલવે સ્ટેશન એનએસજી શ્રેણી 1 સ્ટેશન છે. જૂનાં કવર શેડના સ્થાને 1.7 કરોડના ખર્ચે એક નવું કવર શેડ લગાવાયું છે. પ્લેટફોર્મ નંબર 4ની ઊંચાઇ 1.2 કરોડના ખર્ચે માનક અનુસાર કરવામાં આવી છે.
 
ગંગાધરા  સ્ટેશન પર નવું પાર્સલ ટર્મિનલ
સુરત ઔદ્યોગિક શહેર હોવાથી અહીં પાર્સલ અને માલસામાનની હેરફેરની ઘણી સંભાવના છે. તાજેતરમાં શરૂ કરાયેલ ચલથાણ પાર્સલ વ્યસ્ત થઈ ગયું છે અને એટલે વૈકલ્પિક ટર્મિનલની જરૂરિયાત અનુભવાઇ હતી. માર્કેટ સર્વે કરવામાં આવ્યો અને ગંગાધરા સ્ટેશનના લાઇન નંબર 4ને પાર્સલ લાદવા માટે નક્કી કરવામાં આવ્યું. આ યોજના પાછળ લગભગ રૂ. 2.78 કરોડનો ખર્ચ થયો છે અને એનાથી રેલવેના માધ્યમથી પાર્સલ સેવા મજબૂત થશે.