શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 14 ઑગસ્ટ 2024 (16:19 IST)

અમદાવાદમાં દારૂની ડિલિવરી માટે બાળકોને નોકરી રાખ્યા, 8 હજાર પગાર અને બોટલ દીઠ 200 કમિશન

liquor
શહેરના બોડકદેવ વિસ્તારમાં બાળકોને નોકરીએ રાખીને દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે. આ બાળકોને મહિને 8 હજાર પગાર અને એક બોટલ દીઠ 200 રૂપિયા કમિશન આપીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા આ રેકેટની પોલીસને જાણ થતાં જ એક બાળકની અટકાયત કરાઈ છે. જ્યારે બાળકોને સપ્લાય માટે દારૂ આપનાર શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
છેલ્લા બે મહિનાથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ
પ્રાપ્ત વિગતો પ્રમાણે બુટલેગરો પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ દારૂના સપ્લાય માટે નવી મોડસ ઓપરેન્ડી અજમાવી રહ્યાં છે. પોલીસથી બચવા માટે બાળકોને દારૂની ડિલિવરી કરવા માટે આઠ હજાર રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યાં છે અને એક બોટલદીઠ 200 રૂપિયાનું કમિશન આપવાનું શરૂ કર્યું છે. બોડકદેવ પોલીસે એક બાળકની અટકાયત કરીને ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. છેલ્લા બે મહિનાથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ થયો છે.
 
દર મહિને 8000 પગાર અને બોટલદીઠ 200 રૂપિયા કમિશન
પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેના સ્વજન અંકિત પિતાંબર પરમારે કહ્યું હતું કે હું તને દર મહિને 8000 પગાર અને દારૂની બોટલની ડિલિવરી કરવા પર 200 રૂપિયા કમિશન આપીશ, તારે હું કહું ત્યાં દારૂ આપવા જવાનું છે. તું નાનો હોવાથી કોઈ કેસ પણ થશે નહીં. આ વાતમાં આવીને આ બાળકે દારૂની ડિલિવરી કરવાનો શરૂ કરી દીધું હતું.બોડકદેવ પોલીસે હાલ બાળકની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે તેની પાસે દારૂનો જથ્થો અને ટુ-વ્હીલર પણ મળી આવ્યાં છે. જ્યારે બાળકને જેણે દારૂનો જથ્થો આપ્યો હતો તેને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.