1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (14:24 IST)

ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થી નોંધાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૭ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં ૧૭.૧૪ લાખ વિદ્યાર્થી હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં ૧.૩૬ લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં ૫૦ હજાર કરતા વધુનો વધારો થયો છે. 
શિક્ષણ બોર્ડ દ્વારા ૭ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વખતે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીની સંખ્યામાં રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ પર પહોંચી છે. ધો.૧૦ની પરીક્ષા માટે આ વખતે ૧૧૫૯૭૬૨ વિદ્યાર્થી નોંધાયા છે. ગતવર્ષે બોર્ડની ધો.૧૦ની પરીક્ષામાં ૧૧૦૩૬૭૪ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ, ગતવર્ષે કરતા ધો.૧૦ના વિદ્યાર્થીની સંખ્યામાં ૫૬૦૮૮નો વધારો થયો છે. 
ધો.૧૦ની જેમ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીની સંખ્યા તોતિંગ વધી છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે ૫૩૩૬૨૬ વિદ્યાર્થી નોંધાયા છે. ગતવર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૪૭૬૬૩૪ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ, ગતવર્ષે કરતા ચાલુ વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીની સંખ્યામાં ૫૬૯૯૨નો વધારો નોંધાયો છે. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ચાલુ વર્ષે ૧૪૭૩૦૨ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે ગતવર્ષે ધો.૧૨ સાયન્સમાં ૧૩૪૬૭૧ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ, ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૧૨૬૩૧ વિદ્યાર્થી વધ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા ૧૦૩૦૨ છે. 
ચાલુ વર્ષે ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સના મળી કુલ ૧૮૫૦૯૯૨ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. ગતવર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭૧૪૯૭૯ વિદ્યાર્થી ઉપસ્થિત હતા. આમ, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૧૩૬૦૧૩ વિદ્યાર્થી વધુ નોંધાયા છે. ધો.૧૦માં ૭ લાખ જેટલા વિદ્યાર્થી અને ૪.૫૪ લાખ જેટલી વિદ્યાર્થિની નોંધાઈ છે. ધો.૧૨ સાયન્સમાં એ ગ્રૂપના વિદ્યાર્થીની સંખ્યા ૫૭ હજાર અને બી ગ્રૂપના વિદ્યાર્થીની સંખ્યા ૮૯ હજાર નોંધાઈ છે.