મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (14:35 IST)

નીતિ અને નિયમો નેવે મૂકી હોસ્પિટલોના ધંધા, 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 પાસે ફાયર વિભાગનું NOC

fire safety certificate
શહેરના સત્તાધીશોની બેદરકારીના કારણે ખાનગી હોસ્પિટલની દાદાગીરી બેફામ બની ગઈ છે. જેમાં હાલ કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારના આરોગ્ય તંત્રને ખાનગી હોસ્પિટલનો સાથ લેવામાં આંખે પાણી આવી ગયા હતા, પરંતુ તંત્રની આ બેદરકારી અને ખાનગી હોસ્પિટલ પ્રત્યેનું કૂણું વલણ દર્દીઓ અને સગાઓ માટે મોતનું કારણ બની જાય છે, જેમાં અમદાવાદની કુલ 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 હોસ્પિટલએ જ ફાયર વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધી છે. જ્યારે બાકીની બધી હોસ્પિટલો જીવતા બોમ્બ જેવી ચાલી રહી છે. અમદાવાદનું મ્યુનિસિપલનું તંત્ર હોય કે રાજ્યનું આરોગ્ય વિભાગ બંનેની ઢીલી નીતિ અને સમાધાનકારી વલણને લીધે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની ખાનગી હોસ્પિટલ બેફામ બનીને દર્દીઓને લૂંટી રહી છે. એટલું જ AMC કે સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને હોસ્પિટલનો ધંધો ચલાવી રહ્યા છે. આવી તંત્ર અને ખાનગી હોસ્પિટલની સાંઠગાંઠના કારણે કોઈ હોનારત કે ઘટના બને ત્યારે એકદમ તંત્ર જાગે છે અને પછી થોડા દિવસમાં બધું ભૂલી જાય છે. અમદાવાદની કહેવાતી પ્રતિષ્ઠિત શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગે ફરી એકવાર પુરવાર કરી દીધું કે તંત્રની બેદરકારીના કારણે અનેક નિર્દોષના જીવ જાય છે. હાલમાં કોરોના મહામારી દરમિયાન દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 વોર્ડ શરૂ કરવા માટે કહ્યું હતું. જેમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીને સારવાર આપવાના નામે લાખો રૂપિયાની લૂંટ શરૂ કરી દેતા અને માનવતા નેવે મુકી દેતા અંતે સરકાર અને હાઇકોર્ટની સૂચનાથી ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવારના દર ઘટાડવા ફરજ પડી હતી. આ દરમિયાન પણ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી કે ફાયરની NOC ન હોવાની રજૂઆત કરી હતી. છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગત જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં આવેલી કુલ 2100 હોસ્પિટલોમાંથી માત્ર 91 હોસ્પિટલ ફાયર NOC લીધી હોવાનું બહાર આવ્યું હોવા છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું હતું.