નવરાત્રીમાં પ્રથમ વખત કચ્છ સ્થિત માતાનો મઢ-આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

ashapura
Last Modified ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (16:59 IST)

આગામી માસથી નવરાત્રીના પવિત્ર તહેવારનો પ્રારંભ થાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે કચ્છના અત્યંત પવિત્ર ધામ એવા માતાના મઢ, આશાપુરા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. મંદિર અને સરકારી તંત્ર વચ્ચે મળેલી બેઠકમાં સંમતિ થયા પછી નાયબ કલેકટરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી, તા. 13 થી 25 ઓકટોબર મંદિર બંધ રહેવાની જાહેરાત કરી છે. નવરાત્રીમાં માતાના મઢનું મંદિર બંધ રહેશે તેવી આ પ્રથમ ઘટના છે.દર વર્ષે નવરાત્રીમાં માતાના મઢ ખાતે દેશદેવી આશાપુરા માતાજીના ભકતો ઉમટી પડે છે. દેશ-વિદેશની શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે.લાખો ભાવિકો માનતા રાખી કે શ્રદ્ધાથી પદયાત્રા કરી માતાના મઢ આવે છે. ગુજરાતના જ નહીં પરંતુ મુંબઇ સહિતના દેશના અન્ય શહેરો-રાજ્યોમાંથી પદયાત્રા, સાયકલ યાત્રા કરી લોકો માતાજીના દર્શન કરવા અહીં ઉમટી પડે છે. પદયાત્રાના માર્ગ પર અનેક કેમ્પો ખોલવામાં આવે છે. સેવાભાવીઓ પદયાત્રીકોની સેવા કરી પુણ્યનું ભાથુ બાંધે છે.જોકે આ વર્ષે આ તમામ ઉજવણીઓ બંધ રહેશે. કોરોના મહામારીના પગલે નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી ગઇકાલે મંદિર પ્રશાસન અને પ્રાંત અધિકારીની બેઠક મળી હતી. જેમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી, આગેવાનો, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચર્ચાના અંતે નિર્ણય લેવાયો હતો કે આ નવરાત્રીમાં મંદિર બંધ રાખી દર્શનાર્થીઓ માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવી.બેઠક બાદ નખત્રાણા-કચ્છના નાયબ કલેકટર પ્રવિણસિંહ જૈનાવતે મંદિર તા. 13 થી 25 ઓકટોબર સુધી બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં કહેવાયું છે કે આ સમયગાળા દરમિયાન લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર જાહેર જનતા માટે બંધ રહેશે. આ સમય દરમયાન યોજાતા મેળા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી ઉત્સવો દરમિયાન જુદા જુદા ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવ્યા હતા. જન્માષ્ટમી વખતે દ્વારકાનું જગત મંદિર, ભાદરવી પુનમે અંબાજી મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું.નાયબ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે માતાના મઢ મંદિર ખાતે પરંપરાગત રીતે પુજારી દ્વારા ઘટ સ્થાપન વિધિ તેમજ અન્ય વિધિઓ, પુજા-અર્ચના સરકાર દ્વારા નકકી કરાયેલી એસઓપી મુજબ કરી શકાશે, તેમજ ઓનલાઇન લાઇવ દર્શન કરી શકાશે. ઉપરાંત જાહેરનામામાં હુકમ કરાયો છે કે આ સમયગાળા દરમિયાન આવતા પગપાળા યાત્રાળુઓ માટે યોજાતા સેવા કેમ્પો પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ પણ વાંચો :