શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (22:58 IST)

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર સર્જાઇ ઘટના, 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી સીમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે પહોચ્યું “હ્યદય”

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હ્યદયનું અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્યદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. જૂનાગઢના મુકેશસિંહ સોલંકીના હ્યદયને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ. 
 
હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી. મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને , જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 
 
મુકેશભાઇના હ્યદયને મોરબીના 36 વર્ષના પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. જેની વિગતો જણાવતા સીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું કે, મોરબીના 36 વર્ષના પુરુષ દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા. જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થઇ રહ્યા હતા. જેની આડઅસર હ્યદય પર પણ વર્તાવા લાગી. દર્દીના હ્યદયના વાલ્વ પણ ખરાબ થઇ જવા પામ્યા હતા. તેમની મહાધમની ફૂલી રહી હતી. 
જેના નિયંત્રણ માટે 2017માં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ સમય જતા હ્યદયમાં રૂધિરનું વહન 10 ટકા જેટલું જ થઇ રહ્યું હોવાથી પેશમેકર પણ મૂકવામાં આવ્યુ હતુ. છેલ્લા એક વર્ષથી દર્દીનું બ્લડપ્રેશર પણ 80 થી 90 જેટલું રહેતુ હતુ. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં “ડિકમ્પનસ્ટેટેડ હાર્ટ ફેલ્યોર(ક્ષતિગ્રસ્ત હ્યદય) તરીકે ઓળખાવામાં આવે છે. જેમાં શરીરના દરેક અંગમાં બ્લડપ્રેશર ઓછુ થઇ જાય છે જે કારણોસર અન્ય અંગોમાં પણ આડઅસર વર્તાવાની સંભાવના વધી જાય છે. 
 
આ તમામ પરિસ્થિતો વચ્ચે જ્યારે આ પુરુષ દર્દીને હ્યદયનું દાન મળ્યુ અને જેનું અમારી હોસ્પિટલ દ્વારા 5 કલાકની જટીલ સર્જરી બાદ સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેના થકી આ દર્દીના જીવનમાં ખરા અર્થમાં ઉજાસ પથરાયો છે. તેઓ આગામી જીવન કાર્યક્ષમતા સાથે  પસાર કરી શકશે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની સંવેદનશીલ સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે. 
 
સિવિલ હોસ્પિટલની  (SOTTO) ની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે જ આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હ્યદયનું પણ દાન મળ્યું છે જે સફળતાપૂર્વક અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરાતા અમારી ટીમને આનંદની લાગણી છે. અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળે છે તેમના જીવનમાં ઉજાસ પથરાય છે માટે વધુમા વધુ લોકોએ અંગદાન માટે આગળ આવવું જોઇએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર -2020 માં અંગોના રીટ્રાઇવલ(પુન: પ્રાપ્તિ) સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ(પ્રત્યારોપણ) માટે મોકલી શકાય છે.
 
ગ્રીન કોરિડોર એટલે શું ? કેવી રીતે 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી હ્યદય પહોચ્યું સિવિલ થી સીમ્સ હોસ્પિટલ? 
બ્રેઇનડેડ થયેલ વ્યક્તિના જયારે ફેફસા તેમજ હૃદય જેવા અંગો શરીરમાંથી કાઢ્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરીને બેસાડવા માટે નિયત ચારથી છ કલાકનો સમય અસરકારક રહે છે. જે માટે દર્દી સુધી પહોંચવા માટે પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પેશિયલ રૂટ નક્કી કરી એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
 
સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે 41 વર્ષના બ્રેઇનડેડ દર્દીના શરીર માંથી હૃદય કાઢી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓપરેશન થિયેટરથી લઈ લિફ્ટ સુધી ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર લીફ્ટમાંથી બહાર આવી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી આખો રસ્તો સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા માનવ સાંકળ બનાવી કોઈપણ જાતની અડચણ વિના એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યુ. ત્યારબાદ સ્થાનિક પોલીસની ગાડીઓ દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી.
 
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા દરમિયાન હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી તેમના માટે અલગથી આવવા જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. 
 
આ તમામ વ્યવસ્થાના સંકલન માટે સિવિલ હોસ્પિટલ ના અધિકારી તેમજ સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા ખુબ જ ચોકસાઈ પૂર્વક સંકલન કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી. બ્રેઇનડેડ દર્દિના હૃદયને પ્રત્યારોપણ માટે શરીરમાંથી કાઢ્યા બાદ ચારથી છ કલાકના સમયગાળામાં બીજા વ્યક્તિના શરીરમાં ઓપરેશન કરી બેસાડવું જરૂરી હોય છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન એક-એક સેકન્ડની ગણતરી કરી સંકલન કરવામાં આવતું હોય છે. 
 
સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ દર્દીના હૃદય કાઢવા માટેનું ઓપરેશન તેમજ જે દર્દીમાં હૃદયનું પ્રત્યારોપણ કરવાનું હતું તે દર્દીનું પણ સામે સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન બીજી ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ. સમયની ગણતરી મુજબ સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન અમુક તબક્કામાં પહોંચ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિગ્નલ મળતા બ્રેઈનડેડ દર્દીના હૃદયને ક્લેમપ કરી બહાર કાઢવામાં આવ્યું .
 
ત્યારબાદ તેને સાચવવાની જરૂરી પ્રક્રિયા કરી બોક્સમાં પેક કરીને તંત્ર દ્વારા બનાવાયેલ ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યું. પોલીસ દ્વારા એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા દર્દીના ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી તે દર્દીના શરીરમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયા ગ્રીનકોરિડોરની મદદથી ફક્ત 10 મીનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મળી હતી.