ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (16:01 IST)

રાજકોટના જે કે ચોકમાં ગણપતિ બાપ્પાને 60 લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર કરાયો

rajkot ganesha
rajkot ganesha
 સમગ્ર દેશમાં ગણેશ ભગવાનની જોરશોરથી આરાધના થઈ રહી છે. ઠેર ઠેર પંડાલો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે. કે. ચોક ખાતે ગણપતિ પંડાલની સજાવટ જોવા મળી રહી છે. અહીં એક ભક્ત દ્વારા અંદાજે રૂ. 60 લાખની કિંમતનો સોનાનો હાર ગણપતિ દાદાને અર્પણ કરવામા આવ્યો છે. ગણપતિના બાજુબંધ સહિતમાં ડાયમંડનો અદભૂત શણગાર જોવા મળી રહયો છે. ગણપતિની આસપાસ લાઈવ ઉંદરો ફરતા હોય તેવો નજારો જોવા મળે છે.10 દિવસનો રૂ. 35 લાખ જેટલો ખર્ચ અને અંદાજે રૂ. 60 લાખનો સોનાનો હાર મળી અહીં રૂ. 1 કરોડના ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ છે. 
 
ગણપતિ દાદાની 9 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર જે કે ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ વખતે 15માં વર્ષે જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈદિક થીમ સાથે ડેકોરેશન કરવામા આવ્યુ છે. આ મહોત્સવમાં 50 ફૂટ આડો અને 80 ફૂટ લાંબો એસી વાળો ડોમ તૈયાર કરાયો છે. ગણપતિ દાદાની 9 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને મૂર્તિના ફરતે આખો દિવસ 8 જેટલા સફેદ ઉંદર પ્રદક્ષિણા કરી રહ્યા છે. 9 દિવસનું આયોજન અને 10 દિવસે હનુમાનધારા ખાતે વિસર્જન કરવામાં આવશે.દરરોજ સાંજે 8 વાગ્યે મહાઆરતી અને 9 થી 12 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરાયું છે. 
 
દરરોજ અંદાજે 50,000 ભાવિકો દર્શનનો લાભ લે છે
આયોજક બલરાજસિંહ રાણાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, જે. કે. ચોક ખાતે આ વખતે સતત 15મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ વખતે ગણપતિ દાદાનો ડાયમંડથી શણગાર કરવામાં આવેલો છે. એક ભક્ત દ્વારા અહીં ગણપતિ દાદાને 800 ગ્રામ સોનાનો હાર પહેરાવવામાં આવેલો છે. દરરોજ અંદાજે 50,000 ભાવિકો દર્શનનો લાભ લે છે. 17મીએ વિસર્જન યાત્રા નીકળશે. હનુમાન ધારા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામા આવશે. અન્ય આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, મૂર્તિને ડાયમંડથી શણગાર કરવામા આવેલો છે. વિઘ્નહર્તા દેવ સાફામાં સજ્જ છે. એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ફરસી છે.