ગુજરાતી નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ આપો, હાઈકોર્ટનો સરકારને આદેશ
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે અરજીના આધારે આજે ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર કરી હતી. હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતી અભ્યાસ કરાવામાં શાળાઓને શું તકલીફ થઈ રહી છે? ગુજરાતી નહીં ભણાવતી શાળાઓને સરકારની નોટિસ ફટકારવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અગાઉની સુનવણીમાં સરકારે હાઈકોર્ટમાં રજુ કરેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 23 જેટલી સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત નથી ભણાવાતી હોવાનું ધ્યાને આવ્યું છે. હવે પરિપત્રનું પાલન નહીં કરનાર સ્કૂલો સામે પગલાં લેવામાં આવશે. બીજી બાજુ એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજયની 109 સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત પણે ભણાવવામાં નથી આવી રહ્યું. હાઈકોર્ટ અગાઉ સરકારની નીતિનું ચૂસ્ત પણે પાલન કરવું પડશે તેવી ટકોર કરી ચૂકી છે. અગાઉ હાઈકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, સરકારી સ્કૂલોમાં ગુજરાતી ભાષાને ભણાવાતી નથી જેને લીધે બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી. માતૃભાષા અભિયાન હેઠળ સરકારે 2018માં પોલિસી બનાવી છે તેમાં તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષાને મરજિયાત બનાવી છે. જેના લીધે અનેક સ્કૂલો ગુજરાતી ભાષા ભણાવતી નથી.ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા શીખી શકતા નથી તે કરુણ બાબત છે.