શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (16:18 IST)

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

devvrat
devvrat


ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત “RE INVEST-2024” સમિટનો સમાપન સમારોહ આજે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, પંજાબના રાજ્યપાલ  ગુલાબચંદ કટારીયા, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
 
ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે RE INVEST-2024ના સમાપન સમારોહમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના આ સમયગાળામાં પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ આજના સમયની જરૂરિયાત છે. કારણ કે, તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે. પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન કર્યું છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
 
ગુજરાતના ગૌરવશાળી ઈતિહાસને સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી ગણાવતા ઉપરાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, આઝાદી મેળવવાના મોટા પડકાર સામે ગુજરાતની ભૂમિના પનોતા પુત્રો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું નેતૃત્વ કર્યું હતું. આજે સમગ્ર વિશ્વને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી એકતાના પ્રતિક સમાન ભેટ આપનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમગ્ર વિશ્વએ આવકાર્યું છે અને તેમન સૂચનોને સ્વીકાર્યા છે. ગુજરાતની ભૂમિ પર આ ત્રણ દિવસ દરમિયાન વિશ્વભરના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા વિચાર-મંથન કરવામાં આવ્યું છે. 
 
આ સીમાચિહ્ન રૂપ આયોજનમાં લગભગ ૨૫૦થી વધુ વિષય નિષ્ણાત વક્તાઓ અને એટલી જ સંખ્યામાં ડેલીગેટ્સ પણ સહભાગી થયા છે. ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકોએ સહભાગિતા નોંધાવી છે, છે ખરેખર સરાહનીય બાબત છે. આવા વૈશ્વિક આયોજન માટે ઉપરાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
 
RE INVEST એકઝીબીશનમાં આ વિશ્વને વધુ જીવવાયોગ્ય અને રહેવાલાયક સ્થળ બનાવવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો દર્શાવતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત સમિટના ત્રણ દિવસ દરમિયાન ૫૦૦થી વધુ B2B અને B2G બેઠકો પણ યોજાઈ છે. જેમાં નવીકરણીય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ માનવજીવનના અસ્તિત્વ માટે મહત્વની જરૂરિયાત છે, તેવો નિષ્કર્ષ વિશ્વભરના રાજદ્વારીઓ દ્વારા તારવવામાં આવ્યો છે. પરિણામે RE INVEST સમિટ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસ માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ બનશે, તેવો ઉપરાષ્ટ્રપતિશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો બધા માટે છે, પણ તેનો ઉપયોગ કરવામાં અતિલોભ કરીશું, તો વિનાશ નોતરીશું, તેમ જણાવતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પડકાર છે. પૃથ્વી સિવાય જીવસૃષ્ટિ માટે અન્ય કોઈ ગ્રહ ન હોવાથી, આ સમસ્યાઓને પહોંચી વળવા ઉપરાંત આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જેમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે અને જળવાયું પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું દિશાદર્શન કરી રહ્યું છે. 
  
તેમણે ઉમેર્યું હતું કે, ભારતના પ્રાચીન વેદ અને ઉપનિષદોમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ અંગે દર્શાવેલા ઉપાયોને આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. આ જ ઉદ્દેશ્ય સાથે “વસુધૈવ કુટુમ્બકમ”ના મંત્ર સાથે ભારતે ગત વર્ષે G-20ની સફળ યજમાની કરી હતી, જેમાં યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન સહિત ૧૦૦ થી વધુ દેશોએ ભારતના સૂચનોને સ્વીકારીને, અપનાવ્યા છે. 
 
ભાવી પેઢીને સુંદર વિશ્વ આપવું એ આપણી સૌની જવાબદારી છે. આજદિન સુધી માનવજાતે વૈશ્વિક સંપદાને જે નુકશાન પહોંચાડ્યું છે, તેના પ્રત્યે હવે નાગરિકોમાં જાગૃતિ કેળવાઈ છે. પરિણામે ધરતીને બચાવવાના આ મહાયજ્ઞમાં દરેક નાગરિકે આહુતિ આપવાની છે અને આ માટે સૌએ એક સૈનિકની જેમ કામ કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
:: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ::
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રિ-ઈન્વેસ્ટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ગ્લોબલ વૉર્મિંગ એક ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ કલ્યાણની વિભાવના સાથે પ્રગતિના પંથે અગ્રેસર છે, ત્યારે ગુજરાત રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં 'લીડર'ની ભૂમિકા ભજવી રહ્યું છે. આ માટે તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
 
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૌતિક ઉન્નતિના માર્ગે આપણે પ્રકૃતિનું ભયંકર શોષણ કર્યું છે. સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ અને જલ; આ પાંચમહાભૂતના શોષણથી પ્રકૃતિ નારાજ છે. ગ્લોબલ વૉર્મિંગ સ્વરૂપે આપણે તેના ગંભીર દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ. ભારતીય શાસ્ત્રોમાં પંચમહાભૂતને દેવતાની ઓળખ આપવામાં આવી છે. આપણે આપણા આ દેવતાઓની આરાધના કરીને, પ્રકૃત્તિના આ પંચ તત્વોનું પોષણ કરીને પ્રગતિના પંથે અગ્રેસર થવાની આવશ્યકતા છે. ચોથી વૈશ્વિક ઊર્જા ઈન્વેસ્ટર્સ મીટ આ દિશામાં મહત્વનું સોપાન બની રહેશે. 
 
તેમણે કહ્યું કે ઊર્જા જ વિકાસનો આધાર છે. સૂર્ય, પવન, હાઈડ્રો અને ગ્રીન હાઈડ્રોજન ઊર્જાના ક્ષેત્રમાં થયેલું ચિંતન સમસ્ત જગતના કલ્યાણ માટેનું ચિંતન છે. આ માટે તેમણે ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય અને ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
 
:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ::
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્વેસ્ટ-ઇનોવેટ-ઇન્સ્પાયર’ના મંત્ર સાથે યોજાયેલી ચોથી RE ઇન્‍વેસ્ટ સમિટ ‘વસુધૈવ કુટુંબકમ’ને સાકાર કરવા સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ ના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ આ સમિટના સમાપન પ્રસંગે વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાયેલી ત્રિદિવસીય ચોથી RE ઇન્‍વેસ્ટ સમિટનું સમાપન ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીની ઉપસ્થિતિમાં થયું હતું.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા સુરક્ષા તથા ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઈમારત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘શક્તિ પંચામૃત’ના આધારે રચી છે. આના પરિણામે જ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન સાથે રિન્યુએબલ કેપિટલ બનવા તરફ આગળ ધપી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સૂર્યથી ઊર્જાના ઉત્પાદનના મહત્તમ ઉપયોગ માટે ચારણકામાં દેશનો પહેલો સોલાર એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં સ્થાપ્યો હતો તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ દ્વારા જળ શક્તિનો ઉર્જા શક્તિમાં વિનિયોગ કરીને હાઇડ્રોપાવર જનરેશનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
 
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે રાજ્યમાં અંદાજે ૬૨ હજાર મિલિયન યુનિટ જળ વિદ્યુત ઉત્પાદન થયું છે. ઉત્તમ જળ વ્યવસ્થાપનને કારણે પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ શક્ય બન્યા છે અને રાજ્ય સરકારે આ હેતુસર ૫૦ સ્થળો આઇડેન્ટીફાય કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું કે, RE ઇન્વેસ્ટ સમિટની ચોથી કડીમાં ૯૪૬૦ મેગાવોટના પમ્પ્ડ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ૫૯ હજાર કરોડ રૂપિયાના MoU ઈન્ટેન્‍શન્સ થયા છે.
 
ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની અનેકવિધ પહેલો સાથે જોડાવાના અવસર માટે વડાપ્રધાનશ્રીના વિઝનથી ૨૦૧૫થી RE ઇન્‍વેસ્ટ સમિટ દેશમાં યોજાય છે. આ સમિટની ચોથી એડીશનમાં ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણો માટે રૂ. ૩ લાખ કરોડથી વધુના MoU ઈન્ટેન્‍શન્સ થયા છે તેનો આનંદ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
 
:: કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી ::
કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્ષેત્રને આગળ ધપાવવા માટે વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઈ મોદીની અડગ પ્રતિબદ્ધતા ભારતને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમના દૂરંદેશી નેતૃત્વ અને અવિરત માર્ગદર્શનથી ભારતે આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રેના વિકાસને ગ્લોબલ મૂવમેન્ટ બનાવી છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવી પહેલ થકી અનેક દેશોને એક જ પ્લેટફોર્મ પર લાવી, વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક રિન્યુએબલ એનર્જીના પ્રયાસોમાં ભારતને મોખરાના સ્થાને પહોંચાડ્યું છે. પરિણામે આજે સમગ્ર વિશ્વ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત તરફ આદરપૂર્વક જુએ છે.
 
કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ઉદબોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીનું જીવન પ્રેરણાદાયી હતું, કારણ કે, તેમના જીવનમાં ન્યૂનત્તમ કાર્બન ફૂટપ્રિન્ટ્સ રહી છે. તેમણે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે જ દિશામાં આગળ વધતા ભારત દેશ આજે આત્મનિર્ભર ઊર્જા ક્ષેત્ર માટે કુદરતી સંસાધનોનો સુયોગ્ય ઉપયોગ કરીને સસ્ટેનેબલ પ્રવૃત્તિઓને અપનાવવાની દિશામાં આગળ વધવાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ભારતની રિન્યુએબલ એનર્જી યાત્રાને વધુ ઉંચાઈઓ પર લઈ જવા અને વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત@૨૦૪૭”ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ આતુરતા વ્યક્ત કરી હતી. 
 
RE INVEST-2024 સમિટની યજમાની અને સમગ્ર આયોજનમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ કેન્દ્રીય મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત સમગ્ર ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પંજાબના રાજ્યપાલશ્રી, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવાના મુખ્યમંત્રીશ્રીઓ અને તેલંગણાના નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત અ સમિટમાં સહભાગી થયેલા તમામ મહાનુભાવો, ડેલીગેટ્સ, વિષય નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 
 
RE INVEST-2024 સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, નવીન-નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શ્રીપાદ યેશો નાઈક, ગુજરાતના રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી ભૂપિંદરસિંઘ ભલ્લા, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, દેશ-વિદેશથી પધારેલા રિન્યુએબલ ક્ષેત્રના અગ્રણી, ઉદ્યોગકારો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.