શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2023 (13:28 IST)

અમદાવાદમાં 6 લાખથી વધુ આવક હોવા છતાં 1.50 લાખની બતાવી RTEમાં પ્રવેશ મેળવ્યો

ગુજરાત સરકાર દ્વારા RTE એક્ટ હેઠળ નબળા અને વંચિત વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે કેટલાંક વાલીઓ આ યોજનાનો ગેરલાભ લેવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરીને RTE હેઠળ ખાનગી શાળામાં બાળકોના પ્રવેશ મેળવતા હોય છે, જેને કારણે જરૂરિયાતવાળા બાળકો આ લાભથી વંચિત રહી જતા હોય છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન લીધા બાદ તપાસ કરાવતા ચાર મોટી સ્કૂલોમાં વાલીઓએ વધારે આવક હોવા છતાં ઓછી આવકના દાખલા રજૂ કરીને ગેરકાયદે એડમિશન મેળવી લીધુ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યુ છે કે કુલ 306 વિદ્યાર્થીઓએ RTEમાં ખોટી રીતે એડમિશન મેળવ્યું છે.

જે અંગે ફરિયાદ થતા DEO દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સ્કૂલ શરૂ થયા અગાઉથી જ RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આવકનો દાખલો, આઇટી રિટર્ન તથા એફિડેવિટના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા. એડમિશન થયા બાદ સ્કૂલો દ્વારા ખાનગી રાહે વાલીઓના પાન કાર્ડના આધારે આઇટી રિટર્ન ચેક કરવામાં આવ્યા. ત્યારે ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ અને ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના મળીને 306 વિદ્યાર્થીઓના વાલીઓએ વધુ આવક હોવા છતાં ઓછી આવક દર્શાવી એડમિશન મેળવ્યા હોવાનું સામે આવ્યું હતુ. દસ્તાવેજી પુરાવા સાથે DEO કચેરીએ આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલે અમને પુરાવા સાથે ફરિયાદ કરી છે. જેથી અમે અત્યારે એક એક સ્કૂલના વાલીઓને બોલાવીને તપાસ કરી રહ્યા છીએ. સ્કૂલે આપેલા આવક પુરાવા અંગે વાલીની પૂછપરછ કરી રહ્યા છીએ. ખોટી રીતે એડમિશન મેળવ્યું છે તેમના એડમિશન શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં રદ કરવામાં આવશે. તથા જરૂર પડે આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.