1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (16:30 IST)

ગુજરાતમાં એઈમ્સને ફાળવણીની જાહેરાતથી રાજકોટ પ્રબળ દાવેદાર

આજે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ  દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ.  જેમાં ઝારખંડ અને ગુજરાતને એઈમ્સને ફાળવણી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતને ક્યાં એઈમ્સ ફાળવવામાં આવી છે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. રાજકોટ અને વડોદરા વચ્ચે એઈમ્સને લઈને ઘણી વખતે વાતો વહેતી થઈ હતી કે ત્યાં ફાળવણી કરાશે. પરંતુ હાલ રાજકોટનું પલ્લુ ભારે હોય તેવું લાગી રહ્યું છે. અહીં નેતાગીરીથી માંડીને લોક આંદોલન સુધી રાજકોટનો પક્ષ સક્ષમ જણાય છે. સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રના રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, રાજકોટમાં એઈમ્સ બનશે. એઈમ્સ માટે ગુજરાતની લાંબા સમયથી પડતર માંગણી છે. તાજેતરમાં જ મેં સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેમાં તેમનો સકારાત્મક પ્રત્યુત્તર રહ્યો હતો. જેના કારણે હું વિશ્વાસ સાથે કહું છું કે રાજકોટને એઈમ્સ મળશે. ઓલ ઇન્‍ડીયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ (એઇમ્સ)ના ડાયરેકટર ડો. શકિતકુમાર ગુપ્તા સહિતની ટીમ 23 જાન્યુઆરી 2015ના રોજ રાજકોટ સ્થળ નિરીક્ષણ માટે આવી હતી. ટીમે રાજકોટની ખીરસરા અને ખંઢેરી વિસ્તારની જમીનનું નિરીક્ષણ કરી રિપોર્ટ દિલ્હી મોકલ્યો હતો. તેમજ જગ્યા અંગે ટીમનો હકારાત્મક અભિગમ રહ્યો હતો. સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દર્દીઓ આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં તબીબો જ નથી એટલું જ નહીં પ્રાથમિક કહી શકાય તેવી બીપી, ડાયાબિટીસ સહિ‌તની દવાઓ પણ ઉપલબ્ધ હોતી નથી. જે તે સમયે રાજ્યના આરોગ્યમંત્રી રહી ચૂકેલા અને હાલ ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે રાજકોટમાં એઇમ્સની સ્થાપનાની સંભાવના દેખાડતા સૌરાષ્ટ્ર-કચ્છના લોકોમાં અનેરો આશાવાદ જાગ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, હિ‌મેટોલોજી સહિ‌તના વિભાગોમાં કાયમી તબીબો પણ નથી. શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ ઉપરોકત પૈકીના બે ત્રણ વિભાગના તબીબો જ હોય સૌરાષ્ટ્ર-કચ્છના દર્દી‍ઓને ના છૂટકે અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડે છે. એઇમ્સ માટે રાજકોટની પસંદગી થાય તો તબીબી ક્ષેત્રે આ વિસ્તારમાં ક્રાંતિ સર્જા‍શે. એઇમ્સ આવવાથી ન્યુરો સર્જરી, યુરો સર્જરી, સર્જીકલ ગેસ્ટ્રોલોજી, કાર્ડીયાક સર્જરી, થોરેસીક સર્જરી (છાતી-ફેફસાની સર્જરી), કેન્સરની જટીલ સર્જરી, ર્બોન કેન્સર રજીસ્ટ્રી, એન્ડોક્રાઇનોલોજી, રૂમેટોલોજી, નેફ્રોલોજી સહિ‌તની સારવાર ઉપલબ્ધ થઇ શકે.