સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (12:25 IST)

ગુજરાતમાં હવે મિશન-૧૫૦ માટે યુપીના વિજયનો સહારો લેવાશે

યુપીમાં ભવ્ય સફળતાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા ભાજપ આતુર છે. પાંચ રાજયોના પરિણામમાં પંજાબ,મણિપુર,ગોવામાં સ્પષ્ટ બહુમતી મળ્યાના અફસોસ વચ્ચે ભાજપ યુપી-ઉત્તરાખંડના પરિણામોને આગળ ધરીને ગુજરાત મિશન-૧૫૦ને આગળ વધારવા માંગે છે. આગામી દિવસોમાં ગુજરાત સરકાર પ્રજાલક્ષી કામો જ નહીં, નવી યોજનાઓ જાહેર કરી પ્રજાવિરોધ તો ખાળશે. સાથે સાથે સરકાર નવી છબી ઉભારવાની કોશિશ કરશે .

ગુજરાતમાં હાલમાં પ્રજાવિરોધનો સામનો કરી રહી છે પણ યુપીના પરિણામોએ જાણે ભાજપના નેતાઓમાં પ્રાણ પૂરી દીધા છે. સરકાર સામે અનેક પડકારો છે ત્યારે અમિત શાહનો હવે ગુજરાત લક્ષ્યાંક છે. ગુજરાત મિશન-૧૫૦ના લક્ષ્યાંક સાથે ભાજપે અંદરખાને ધમધમાટ શરૃ પણ કરી દીધો છે. ભાજપના ધારાસભ્ય-સાંસદોને મત વિસ્તારોમાં કામે લાગી જવા સૂચના સુધ્ધાં અપાઇ ચૂકી છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ માળખામાં જીતુ વાઘાણીની ટીમમાં નવી નિમણૂંકો પણ આપવા વિચારણા થઇ છે. મોરચા સહિત સંગઠનમાં સમાવેશ કરી પ્રદેશના માળખાને નવો ઓપ અપાશે.

વિધાનસભાની ચૂંટણીને આડે આઠેક મહિના બાકી છે ત્યારે બોર્ડ-નિગમોમાં પણ સ્થાન આપીને ભાજપના હોદ્દેદારોને ચૂંટણીના કામે લગાડી દેવાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિતની ગુજરાતની મુલાકાતો પણ વધશે તેમ સૂત્રોનું કહેવુ છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ સાધી કેન્દ્ર-સરકારની યોજનોનો ભરપૂર પ્રચાર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રજાલક્ષી કામો કરવા પણ ખાસ ધ્યાન અપાશે. નવી પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાતો થશે. ખાતમુહુર્ત અન ઉદઘાટનોનો ધમધમાટ શરૃ થશે. આમ, ચૂંટણીલક્ષી કામગીરી શરૃ કરાશે.
યુપીના પરિણામો અગાઉ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૃપાણીના બંગલે રાત્રીભોજમાં એવા નિર્દેશ આપ્યાં કે, જયાં ભાજપ નબળો દેખાવ કરે ત્યાં મારી જાહેરસભા ગોઠવજો . રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ બે દિવસ પહેલાં જ કમલમમાં બેઠકોનો દોર યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છેકે, આ વખતે કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે તે અમિત શાહનો ટાર્ગેટ બનશે. અમિત શાહ આ બેઠકોનું રાજકીય વિશ્લેષણ કરી રહ્યાં છે. જરૃર પડે કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં પ્રવેશ આપીને બેઠક હાંસલ કરવાનો દાવ ખેલી શકે છે. જો આ રાજકીય દાવ સફળ થાય તો ગુજરાત મિશન-૧૫૦ સફળ થઇ શકે છે. આમેય સત્તાવિહોણી કોંગ્રેસના કેટલાય હોદ્દેદારો- દાવેદારો ભાજપમાં ઠેકડો મારવા બેતાબ છે. આમ, કોંગ્રેસના ગઢ સમા બેઠકોમાં કાંગરા ખેરવવા ભાજપે રણનીતી ઘડી છે.