રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (10:04 IST)

ગુજરાતમાં નલિયા 4.3 ડિગ્રી સાથે ઠંડુંગાર, આગામી બે દિવસ ઠંડીનું પ્રભુત્વ રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હજુ આગામી બે દિવસ કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે કચ્છના નલિયામાં 4.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સૌથી વધુ ઠંડી નોધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ 2 ડિગ્રી જેટલો પારો ગગડતાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોધાયુ હતુ, જે છેલ્લા કેટલાક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નિચુ તાપમાન હોવાનુ અનુમાન હવામાન નિષ્ણાંતો લગાવી રહ્યાં છે.

આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 7.9 ડિગ્રી નોધાતાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદ શહેરમાં ગુરૂવારે એક ડિગ્રી જેટલો પારો ઉચકાયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોધાયુ હતુ. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 2 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાઇ શકે છે. નલિયામાં હજુ આગામી બે દિવસ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. દરમિયાન નલિયા-ગાંધીનગર ઉપરાંત ડીસા-કેશોદ-કંડલા-અમરેલી-વલ્લભવિદ્યાનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ બનશે.જમ્મુ કાશ્મીરમાં ઠંડી 30 વર્ષનો રેકોર્ડ તોડી રહી છે. બે દિવસ પહેલાં કાશ્મીરમાં થયેલી બરફવર્ષાની અસરથી તાપમાનનો પારો સતત નીચે સરકી રહ્યો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.6 ડીગ્રી સુધી નીચે ઉતરી ગયું. કાશ્મીરનાં પહાડી વિસ્તાર પહેલગામમાં -12.3 ડીગ્રી.. અને ગુલમર્ગમાં -13.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનાં મુખ્ય શહેર લેહમાં -16.8 ડીગ્રી તાપમાન, કારગીલમાં -21.3 ડીગ્રી અને દ્રાસમાં -28.1 ડીગ્રી તાપમાન નોંધાયું.અમદાવાદમાં 11.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો ઘટાડો જ્યારે 26.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં ઘટાડો અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીથી વધી શકે છે.