સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (13:08 IST)

ગુજરાતમાં દરેક DEOને સ્કૂલની ફીની માહિતી 5 દિવસમાં ઓનલાઇન મૂકવા સૂચના

FRCએ દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે કે, તેઓ તાબામાં આ‌વતી દરેક સ્કૂલોના એફઆરસીના ઓર્ડર અને ફીની માહિતી સ્કૂલના ડાયસ કોડ સાથે ઓનલાઇન મૂકે. આ કાર્ય‌વાહી સીએમ ડેશબોર્ડથી મોનિટરિંગ કરાતી હોવાથી 5 દિવસમાં આ તમામ માહિતી આપવાની સૂચના આપી છે. ઝોન એફઆરસી દ્વારા કરાયેલા પરિપત્રમાં દરેક ડીઇઓને જણાવાયું કે, વારંવાર એફઆરસીએ જણાવ્યું હોવા છતાં પણ જિલ્લા કચેરીઓ સ્કૂલોની ફીની માહિતી ઓનલાઇન મુકવા માટે તૈયારી કરતા નથી. આથી હવે ડીઇઓ-ડીપીઓએ અંગત રીતે મોનિટરીંગ કરીને 5 દિવસમાં તમામ સ્કૂલોની માહિતી ડાયસ કોડ સાથે ઓનલાઇન મુકી દેવામાં આવે. સ્કૂલોની ફી અંગેની માહિતી ડીઇઓ-ડીપીઓ કચેરી દ્વારા ઓનલાઇન પોર્ટલ પર ફાઇલ કરાય છે. પરંતુ એફઆરસીએ વારંવાર સૂચના આપી હોવા છતાં પણ કચેરી દ્વારા ઓનલાઇન માહિતી મૂકાઇ નહતી. એફઆરસીની વેબસાઇટ પર માત્ર સ્કૂલોની ફીનું લિસ્ટ મુકવામાં આવ્યું છે. પરંતુ જો કોઇ વાલી કે સ્કૂલ સંચાલકે ખાસ એક સ્કૂલની જ માહિતી જોઇતી હોય તો સર્ચ કરીને તે મળતી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારે ફીના પાર્ટલ પર કામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં સ્કૂલોના નામ સાથે સર્ચ કરીને ફીની માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે. અમદાવાદની કુલ 338 સ્કૂલના ડેટા ઓનલાઇન કરવાના બાકી છે, જેમાં 220 સ્કૂલો અમદાવાદ શહેરની, 62 સ્કૂલો ડીપીઇઓ અને અમદાવાદ ગ્રામ્યની 56 સ્કૂલોનો સમાવેશ થાય છે. આવનારા 5 દિવસમાં તાત્કાલિક ધોરણે આ તમામ સ્કૂલોની ફીનો ડેટા જિલ્લાની વડી કચેરી દ્વારા ઓનલાઇન મુકવામાં આવશે.