ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2017 (14:29 IST)

બાપુના ખેલમાં ફસાયા અહમદમીયાં, કોંગ્રેસ પણ અંદરખાને સપોર્ટમાં હોવાની ચર્ચા

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવા માટે શંકરસિંહ વાઘેલા તેમજ ભાજપના કેટલાક નેતાઓ સક્રિય બન્યા છે. જ્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના કેટલાક કોંગ્રેસના મોટા નેતાઓ પણ અહેમદ પટેલનું રાજકારણ પુરું કરવા શંકરસિંહ અને કોંગ્રેસના કેટલાક સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક કરીને સલાહ સૂચન આપી રહ્યાં છે.

કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને બચાવવા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે પરંતુ અહેમદ પટેલને હાલ સોનિયા ગાંધી સિવાય કોઇ ઉચ્ચ નેતાઓ સાથ આપવા તૈયાર નથી.  કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપીને અહેમદ પટેલને હરાવવાની દિશામાં શંકરસિંહનો હાથ મજબૂત બનાવી રહ્યાં છે. અહેમદ પટેલ એક સમયે કેન્દ્રની સરકારમાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તે સમયે અનેક લોકો અહેમદ પટેલની કામગીરીથી નારાજ હતા. આ દરમિયાન કોંગ્રેસના જ કેટલાક નેતાઓનું રાજકારણ જોખમમાં મૂકાઇ ગયું હતું. અહેમદ પટેલ સામે બાંયો ચડાવવા કોંગ્રેસના કોઇપણ નેતાઓ આજ દિન સુધી બહાર આવ્યા ન હતાં. પરંતુ ગુજરાતમાંથી શંકરસિંહ વાઘેલાના રાજીનામા અને અહેમદ પટેલને હરાવવાના ખેલમાં સામેલ થઇને દિલ્હીના કોંગ્રેસના કેટલાક નેતાઓ અહેમદભાઇનું રાજકારણ પૂરું કરવા માટે સક્રિય બન્યા છે. ગુજરાત કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ પણ હાલ બાપુને આડકતરો સાથ આપીને અહેમદભાઇની સામે આંતરિક લડઇ શરૂ કરી છે. આ લડાઇમાં અહેમદ પટેલ અને કોંગ્રેસના કેટલાક જુજ નેતાઓ બચાવ માટે પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ શંકરસિંહ વાઘેલાની રણનીતિ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની અહેમદભાઇ વિરોધી આંતરિક રાજનીતિ જોતાં અહેમદભાઇ પટેલને ઘેર ભેગા કરવા માટે માત્ર શંકરસિંહ કે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ સક્રિય થઇ ગયા છે. શંકરસિંહ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ધારાસભ્યોનીં ખેંચતાણ જોતાં રાજ્યસભાની ચૂંટણીના મતદાન પહેલાં ફરી એકવાર ખજૂરાહોવાળી થાય તો નવાઇ નહીં.