ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:40 IST)

ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવાનું ગુજરાત સરકારનું ઉદ્દેશ્ય: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હી ખાતે દુનિયાના 80 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’તરીકે પ્રભાવક રજૂઆત કરી હતી. પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડીરોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે એમ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
 
આગામી 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10 મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે આજે નવી દિલ્હી ખાતે  ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ દુનિયાના વિવિધ દેશો સાથે ગુજરાતની સહભાગિતાનું ફલક વધારવાની નેમ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે સ્પર્ધાત્મકતા, સુદ્રઢ પોલિસીઓ, પારદર્શિતા, ડિજીટાઈઝેશન અને ઈનોવેશનના માધ્યમથી દેશમાં મૂડીરોકાણ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થયું છે.
 ગુજરાત સરકારે પણ આ જ ઉપક્રમને આગળ વધારીને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલ અને પોલિસીઝ અમલમાં મૂકી છે. 
 
મૂડીરોકાણકારોના પસંદગીના રાજ્ય તરીકે ગુજરાતની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં ગુજરાતે 21.9 બિલિયન ડોલરનું એફડીઆઈ મેળવ્યું છે, જે દેશના  કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના 37% જેટલું છે. યુએસએ, જાપાન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, યુકે, સ્વીટ્ઝરલેન્ડ, ઈટલી, યુએઈ, સાઉદી અરેબિયા, કતાર સહિતના દેશોની કંપનીઓએ ગુજરાતમાં વિવિધ સેક્ટર્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે.
 
ઈન્વેસ્ટર્સ બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે જુદા-જુદા સેક્ટર્સમાં ઉદ્યોગોને ઈન્સેન્ટીવ્ઝ આપવા ઉપરાંત ઉદ્યોગોના સાત્યપૂર્ણ વિકાસ તેમજ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટિક્સ એન્ડ લોજીસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી 2021, સોલર પોલિસી 2021, ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020, ટુરિઝમ પોલિસી, ટેક્સ્ટાઈલ પોલિસી સહિતની વિવિધ પોલિસી અમલમાં મૂકી છે.
 
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ પોલિસીઝના માધ્યમથી કંપનીઓ માટે સર્વગ્રાહી ઈકોસીસ્ટમ તૈયાર કરવાનું તેમજ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવાનું ગુજરાત સરકારનું ઉદ્દેશ્ય છે. તેમણે વિવિધ દેશોના રાજદ્વારીઓને ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કુદરતી સૌંદર્યની વચ્ચે સમૃદ્ધ બાયોડાયવર્સિટી ધરાવતું ઈકો-ટુરિઝમનું આ વર્લ્ડ-ક્લાસ સ્થળ ગુજરાત અને દેશનું ગૌરવ છે.
 
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ ગુજરાતમાં રહેલાં  બિઝનેસના વિપુલ અવસરોની  તેમજ એમ એસ એમ ઇ સેકટર વ્યાપ સાથે  ગુજરાત હરેક  ક્ષેત્રોમાં લીડ લઈ રહ્યું છે તેની વિસ્તૃત રૂપરેખા આપી હતી. તેમણે વાયબ્રન્ટ સમિટ પહેલા યોજાનારા વિવિધ કાર્યક્રમો માં સહભાગી થવા  પણ વિદેશી મહાનુભાવોને આમંત્રણ આપ્યું હતું.
 
મુખ્યસચિવ પંકજ કુમારે કહ્યું કે આ  બેઠકનો હેતુ આપ સૌને ગુજરાતમાં રહેલી અપાર સંભાવનાઓ અને વિકાસ તકોથી સુપેરે પરિચિત કરાવવાનો છે. મુખ્ય સચિવે એમ પણ જણાવ્યું કે  કોરોના મહામારીમાં પણ ગુજરાતે  વ્યાપક રસીકરણ,આરોગ્ય સુવિધાઓ સાથે  વિકાસની યાત્રા પણ યથાવત રાખી છે. હવે આપણે આ મહામારીની અસરોમાંથી બહાર આવી પૂર્વવત થવાનું છે અને વિકાસની આ રફતારમાં આ વાયબ્રન્ટ સમિટ ઉપયુક્ત બનશે. પંકજ કુમારે ગુજરાતમાં મેગા પ્રોજેકેટ્સ,બહુવિધ આંતર માળખાકીય સુવિધાઓ અને ઝીરો મેન ડેયઝ લોસની વિશેષતાઓ વર્ણવી હતી.
 
ભારત સરકારના વિદેશ મંત્રાલયના સચિવ હર્ષ વર્ધન શ્રિંગલાએ આ પ્રસંગે કહ્યું કે  ગુજરાતની ઉત્તરોતર સફળતાની ગાથા બનેલી આ સમિટ ની 10 મી એડીશન પણ વધુને વધુ રોકાણો આકર્ષિત કરશે અને વિશાળ સંખ્યામાં  વિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરશે. આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનને પરિણામે દેશ આજે ગતિશકિત પ્રોજેક્ટ નેશનલ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સહિત અનેક ક્ષેત્રોમાં નવા કીર્તિમાન મેળવી રહ્યો છે તેમાં ગુજરાત આ વાયબ્રન્ટ સમિટથી  વધુ બળ આપશે તેવી અપેક્ષા  તેમણે વ્યક્ત કરી હતી.