ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (11:43 IST)

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, જૂનાગઢ, ઉમરપાડા અને રાણાવાવમાં 5 ઇંચ

રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 70 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા 5 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરતના માંગરોળ માં સાડા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે   અડધાથી પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ગિરનાર પર 8થી 8 ઈંચ, રાજુલા સલાયામાં 125 મીમી. જાફરાબાદ 92 મીમી, કલ્યાણપુરા 81 મીમી, દામનગર 80 મીમી, ખંભાળિયા 66 મીમી, ભાણાવડ 59 મીમી, ભાટીયા 65 મીમી, પોરબંદર 47 મીમી, કુતિયાણા 50 મીમી, કેશોદ 56 મીમી, વંથલી 44 મીમી, રાણાવાવ 44 મીમી, જૂનાગઢ 100 મીમી, લાલપુર 40, જામજોધપુરમાં 30 મીમી, મોરબી 54 મીમી, ટંકારા 59 મીમી વરસાદ પડ્યો હતો.
તો બીજી તરફ જૂનાગઢના કેશોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરના કુતિયાણા, નવસારી શહેર અને રાજકોટના જેતપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાણવડ અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો  છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા જાહેર થયા છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.55 ઈંચ નોંધાયો હતો જ્યારે પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
 
રાજ્યના 21 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ
 
 ખાબક્યો છે. જ્યારે રાજ્યના 44 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો આ તરફ રાજ્યના 91 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
 
4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલ લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખૂબ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ-વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિક ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંને સિસ્ટમના કારણે એક મોન્સૂન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
 
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરત સિટી, કામરેજ અને ઓલપાડમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.