મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (08:34 IST)

9 વાગે શરૂ થશે તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી, કોણ મારશે બાજી

28 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 15 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ની મતગણતરી આવતીકાલે થશે. 
 
મતગણતરી શાંતિપૂર્ણ સંપન્ન અને સમયસર પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી સવારે 9 કલાકે પોસ્ટલ બેલેટ પેપર સાથે શરૂ થશે. મતગણતરી કેન્દ્રો ઉપર કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
 
 
તાલુકા પંચાયતો માટે સરેરાશ 66.60 ટકા મતદાન થયું હતું.  જ્યારે જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 65.80 ટકા મતદાન નોંધાયું હતું.  તો બીજી તરફ નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયું હતું. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં 47.63 ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં 68.65 ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરવામાં આવે તો તો 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 63.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં 78 ટકા મતદાન નોધાયું હતું.
 
 
મતગણતરી દરમિયાન લોકો પરિણામ જોઇ શકે તે માટે મતગણતરી કેન્દ્રોની બહાર LED સ્ક્રીન મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરી સ્થળો ઉપર વાહનો લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મતગણતરી સ્થળો ઉપર તાલુકા મથકોમાં અને જે ગામોમાં મતદાનના દિવસે નાના-મોટા બનાવો બન્યા છે. તેવા સંવદેનશીલ ગામોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિજેતા થનાર ઉમેદવારોની રેલી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પણ વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
 
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરોની જેમ જ ગામડાઓમાં પણ ભાજપની ભવ્ય જીત થશે. મહાનગરોની જેમ જ તાલુકા-જિલ્લા અને પાલિકામાં ભાજપના ઉમેદવારોનો પ્રચંડ બહુમત સાથે વિજય થશે. પ્રચંડ વિજય બાદ ભાજપ ગુજરાતના વિકાસ, સમૃદ્ધિ અને સુવિધાને આગળ વધારશે.