સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (14:20 IST)

શંકરસિંહના નિવેદન વિરૂદ્ધ લોક વિરોધ, નલિયાકાંડના નામે કચ્છની અસ્મિતા પર પ્રહાર કરવાનું બંધ કરો

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગઇ કાલે નલિયા કાંડને મુદ્દો બનાવી જાહેર જીવન  અને કચ્છીયત પર કોંગ્રેસના સંસ્કારને ઉજાગર કરતાં હોય તે પ્રકારના નિર્લજ્જ નિવેદનો કર્યા છે, તેમણે રાજકીય હવાતિયાં મારવાનું બંધ કરીને કચ્છી લોકોની માફી માગવી જોઇએ, તેમ રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું.
નલિયા કાંડ ચોક્કસ પીડાદાયક છે, પરંતુ કોઇના વ્યક્તિગત મુદ્દાને જોડી સેંકડો લોકોને રોજગારી આપતા કચ્છના પ્રવાસન ઉદ્યોગને બદનામ કરવો કે તેમાં જોડાયેલા સૌને ક્ષોભ ઉભો થાય તેવા તેમના નિવેદનો પાછળનો મલિન ઇરાદો જે કચ્છના માળખાને વિક્ષેપ કરવાનો છે, એમ એક નિવેદનમાં ધારાસભ્યે જણાવ્યું હતું. જો તેમની પાસે વિગત હોય તો તેમને આ વિગતો જાહેર કરતાં કોણ રોકી રહ્યું છે. તેમને વિગતો જાહેર કરવી જોઇએ અથવા માફી માગવી જોઈએ. 

નલિયા કાંડના બહાને રાજકીય લાભ લેવાવાળાઓએ પોતાના પક્ષના નેતાના ચારિત્ર માટે જરા  ભૂતકાળ જોઇ લેવાની ભલામણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રણોત્સવથી લઇ નર્મદા યોજના વગેરે દરેક વિકાસ કાર્યમાં કચ્છને પ્રધાન્ય મળ્યું છે, ત્યારે તેમને વિચારવું રહ્યું કે, કચ્છના લોકોએ અને રાજ્યની પ્રજાએ તેમને જાકારો આપી દીધો છે. મહેતાએ ઉમેર્યું હતું કે, આયાતી નેતાઓથી કચ્છમાં તેમનું અસ્તિત્વ ટકી રહ્યું છે, ત્યારે આ પ્રકારના હવાતિયાં મારવાના તેમણે બંધ કરવા જોઇએ અને કરછી પ્રજાની બિનશરતી માફી માગવી જોઈએ.
ભુજમાં પાટીદાર મહિલા મંડળ, નખત્રાણામાં જલારામ સેવા સમિતિ, રઘુવંશી સોશિયલ ગ્રૂપ, પરશુરામ સેના  અને દયાપરમાં માતૃભૂમિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્થાનિકના ઉચ્ચાધિકારીઓને અપાયેલાં આવેદનમાં જણાવાયા મુજબ નલિયા કુકર્મકાંડને સૌ કોઇ વખોડી રહ્યું છે અને પીડિતાને યોગ્ય ન્યાય મળે તથા દોષીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ છે.

કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, ત્યારે માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવાની મનસાવાળા કોંગી નેતાએ યોજેલી પત્રકાર પરિષદમાં નલિયાની ઘટનાને કચ્છની અસ્મિતા, પ્રવાસન અને મહેમાનગતિ સાથે જોડી દઇને પોતાનું વૈચારિક સ્તર બતાવવા સિવાય કશું નથી કર્યું. આવા નિવેદનિયા નેતાઓને કચ્છીઓનું અપમાન કરવાનો કે કચ્છી યજમાનીને બદનામ કરવાનો કોઇ હક્ક નથી. 

પ્રવાસન ઉદ્યોગથી કચ્છ વિશ્વના ફલક પર ઉભરી આવ્યું છે અને તેને લીધે કચ્છમાં નાનાથી માંડીને મોટા ધંધાર્થીઓ સુધી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. અનેક પરિવારોને ફાયદો થાય છે, ત્યારે એકલ-દોકલ બનાવોને સમગ્ર કચ્છ સાથે જોડીને આવાં ગેરવ્યાજબી નિવેદનો જે કરાય છે તે બંધ થવાં જોઇએ. આ પ્રસંગે ભુજમાં જિલ્લા કલેક્ટર એમ. એ. ગાંધીને, નખત્રાણામાં મામલતદાર રાકેશ પટેલને અને દયાપરમાં નાયબ મામલતદાર નિનામાભાઇને આવેદનપત્ર અપાયું હતું.