શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 જુલાઈ 2020 (15:47 IST)

8 બેઠકોની પેટાચૂંટણી માટે 8 સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી જવાબદારી

રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનીયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે. આગામી 2 દિવસમાં અમિત ચાવડા દિલ્હી જશે. તેઓ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસના નવા સંગઠન માળખા અંગે ચર્ચા કરશે. તેમજ 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે પણ બેઠક થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું લોકસભા બાદ વિખેરી નાખવામાં આવ્યું છે.