મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2019 (12:21 IST)

અમદાવાદના પોલીસ કર્મચારીઓ આનંદો હવે મળશે વિકલી ઓફ

અમદાવાદના પોલીસ સ્ટેશનો ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. દરેક પોલીસ કર્મચારીને હવે અઠવાડિક રજા મળશે. પ્રાયોગિક ધોરણે - અમદાવાદના 7 ઝોનના 1 - 1 પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અઠવાડિક રજા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર એ.કે.સિંઘે લીધેલા આ નિર્ણયથી અમદાવાદના પોલીસ કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓને આ અઠવાડિક રજાનો લાભ મળશે. જો કે દરેક પોલીસ કર્મચારીઓને ફરતો વીકલી ઓફ એટલે કે ફરતી અઠવાડિક રજા આપવાની રહેશે. રજાની ફાળવણીની સત્તા પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે રહેશે. તેમાં પણ પોલીસ સ્ટેશનના કુલ સ્ટાફમાંથી ઓછામાં ઓછા 70 ટકા પોલીસ કર્મચારીઓ નોકરી ઉપર હાજર રહે તે રીતે જ અઠવાડિક રજાની વહેંચણી કરવાની રહેશે. અઠવાડિક રજાની સાથે દરેક પોલીસ કર્મચારીઓ પાસે આઠ કલાકની શિફ્ટમાં એટલે કે દરેક પોલીસ સ્ટેશનમાં 3 શિફ્ટમાં પોલીસ કર્મચારીઓને નોકરી વહેંચવા સૂચના આપવામાં આવી છે. જેથી હવેથી પીઆઈ કોઇ પણ પોલીસ કર્મચારી પાસે 2 કે 3 શિફ્ટમાં કામ લઇ શકશે નહીં. જે માટે એકાઉન્ટ, ક્રાઈમ, એમઓબી,એનસી સહિતના ટેબલ ઉપર ઓછામાં ઓછા કર્મચારીઓ નોકરી રાખવા. જે પોલીસ સ્ટેશનના કુલ મહેકમના 05 ટકા થી વધારે ન હોવા જોઇએ. દરેક કર્મચારીને ફરતી અઠવાડિક રજા મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે પીઆઈઓને ખાસ સૂચના આપવામાં આવી છે. જેથી એક અઠવાડિયે જે કર્મચારીને સોમવારે રજા આપી તેને બીજા અઠવાડિયે મંગળવારે, ત્યારબાદ બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એ રીતે જ રજા આપવી. જેથી દરેક પોલીસ કર્મચારીઓને શનિ - રવિની રજાનો લાભ વારાફતી મળે. ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં પીઆઈ પર્સનલ એટલે કે પીઆઈના રાઈટરોની સંખ્યા 4 થી 6 જેટલી છે. જેથી દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ પર્સનલમાં 2 કરતાં વધારે માણસોને નહીં રાખવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.