શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (11:38 IST)

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ૧૦૮ પોલીસ ઇન્સ્પેકટરોની સીધી ભરતીનો કર્યો આદેશો

ગાંધીનગર: રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે નિમણૂંકના આદેશો કરાયો હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
 
રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ભરતીમાં વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાનોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતીથી નિમણૂંકો આપી છે. આજે આ નિમણૂંકો પણ સીધી ભરતીથી કરાઇ છે. 
 
તેમણે ઉમેર્યું છે કે, સીધી ભરતીથી પસંદ પામેલા આ ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂંક કરાઇ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ વર્ગ, અનુસૂચિત જન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને આજે તેઓને નિમણૂંકના હુકમો કરવામાં આવ્યા છે.