સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:50 IST)

ગુજરાતમાં ૧.૮૨ લાખ હેક્ટરમાં લસણનું વાવેતર

ગુજરાતમાં લસણનો વપરાશ વધતા લસણનું વાવેતર પણ વધ્યું છે. હાથ ધરાયેલા સર્વે મુજબ ગુજરાતમાં ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન ૮૬,૦૦૦ હેક્ટર જમીનમાં લસણનું વાવેતર થતું હતું જેની તુલનામાં ૨૦૧૭ના ચાલુ વર્ષે ૧.૮૨ લાખ હેક્ટરમાં લસણનું વાવેતર થયું છે. જે મુજબ લસણના વાવેતરમાં ૧૧૧ ટકાનો વધારો નોંધાયો છે. બીજા પાકની સરખામણીમાં લસણમાં પાણીનો વપરાશ ઓછો થાય છે અને લસણની ઉત્પાદન ક્ષમતા જીરા અને ધાણાની જેમ જ વધારે હોય છે. જેથી લસણનું વાવેતર ખેડૂતો માટે પણ લાભકારક રહે છે. કૃષિ ઉત્પાદક અધિકારીના જણાવ્યા મુજબ પાછલા પાંચ વર્ષ દરમિયાન જેટલા હેક્ટરમાં પાકનું વાવેતર થયું હોય તેનો સરેરાશને નોર્મલ સોઇંગ એરિયા કહેવામાં આવે છે. જે દૃષ્ટિએ લસણનો નોર્મલ સોઇંગ એરિયા ૮૬૦૦૦ હેક્ટર જમીન નોંધાયો છે. ગુજરાતમાં લસણનું અધિકતમ ઉત્પાદન સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધક શ્રી એમ. એ. વડોદરિયાએ જણાવ્યું હતું કે હોટલ ઇન્ડસ્ટ્રી અને ઘર વપરાશ ક્ષેત્રે લસણની માગમાં ૧૫ ટકા વધારો નોંધાયો છે. લસણની ખેતી સહેલી છે અને લસણની ખેતીના અન્ય પાકની સરખામણીમાં સસ્તી પણ નીવડે છે. એક હેક્ટરમાં લગભગ ૭થી ૧૦ ટન લસણનું ઉત્પાદન થાય છે. ફ્રૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે સંકળાયેલા અગ્રણીના જણાવ્યા મુજબ હોટેલ, ઘર ઉપરાંત આયુર્વેદિક દવાના ક્ષેત્રે પણ લસણનો વપરાશ વધ્યો છે. આરોગ્ય અંગે લોકો લસણના ફાયદા સ્વીકારીને લસણને વધુ પ્રમાણમાં વાપરતાં થયા છે. સૌરાષ્ટ્રના એક ખેડૂતે જણાવ્યું હતું કે લસણને ઓછું પાણી જોઈએ છે. ત્રણથી ચાર સિંચાઈમાં લસણની ખેતી સહેલાઈથી થઈ શકે છે માટે ખેડૂતો લસણની ખેતી વધુ પસંદ કરતાં હોય છે. યુવા વર્ગમાં ચાઇનીઝ અને પંજાબી ફુડની લોકપ્રિયતાએ પણ લસણની માગ વધારી છે.