શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:13 IST)

પાટીદાર સમાજના લોકો બધુ ચૂપચાપ કેમ જોઈ રહ્યાં છે તેની હાર્દિક પટેલને હતાશા છે

પાસના કન્વીનર હાર્દિક પટેલને હજુ સુધી ઉપવાસની મંજૂરી મળી નથી ત્યારે ૨૫મીએ જ ઉપવાસ કરવા માટે ફરી હુંકાર કરતા હવે પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે આગામી શનિવારે ઘર્ષણ થાય તેવી સ્થિતિ આકાર લઇ રહી છે. બીજી તરફ પાટીદાર સમાજને અનામતના મુદ્દે ઉપવાસની જાહેરાત છતાં પાટીદાર સમાજનું જંગી સમર્થન ન મળતા હાર્દિકે હાલ બધુ ચાલી રહ્યું છે છતાં સમાજના અમુક લોકો નિષ્ક્રિય થઇને બધું જોઇ રહ્યા હોવાની હતાશા વ્યક્ત કરી છે. પોલીસ દ્વારા આંદોલનને લઇને જે વર્તન થઇ રહ્યું છે તેને પણ અંગ્રેજ જેવું ગણાવ્યું છે.
હાર્દિકના ઉપવાસને ચાર દિવસ બાકી છે ત્યારે હજુ સુધી ઉપવાસ ક્યાં યોજાશે અને યોજાશે કે કેમ તે પણ પોલીસ અને સરકારી તંત્રની નવાઇ જોતા મુશ્કેલ થઇ રહ્યું છે. પોલીસ દ્વારા ૧૪૪ની કલમ અમદાવાદમાં લગાવી દેવાઇ છે. પાસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જ્યાં આંદોલનકારીઓને ઉપવાસ-ધરણાં કે રેલી માટે સરળતાથી મંજૂરી આપી દેવામાં આવે છે ત્યાં પણ કાર્યક્રમ માટે હજુ મંજૂરી મળી નથી. પાટીદાર સમાજ ઉપવાસ આંદોલન પ્રત્યે હજુ સક્રિય નથી અને ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હોવા છતાં ખેડૂત સમાજમાંથી પણ પ્રતિસાદ સાંપડી રહ્યો નથી.
હાર્દિકે જણાવ્યું હતું કે, જે થઇ રહ્યું છે તેનાથી દુઃખ નથી પણ આ બધું થયા પછી પણ સમાજના લોકો નિષ્ક્રિય બનીને બધું જોઈ રહ્યા છે. તેમની એવી કેવી મજબૂરી હશે કે ભાવિ પેઢીને લગતો મુદ્દો હોવા છતાં ચૂપચાપ છે. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સુરતમાં પાસના કાર્યકર અલપેશ કથીરિયાની માતાને પણ પોલીસે જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આવું ગેરવર્તન લોકશાહીમાં યોગ્ય નથી તેમ કહેતા હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, સરથાણામાં કેટલાક આંદોલનકારીઓને પોલીસે માર પણ માર્યો છે જે વર્તન અંગ્રેજ સમાન છે. હાર્દિક અને પાસના કાર્યકરો ઉપવાસ કાર્યક્રમ યોજવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પાસનું દિલીપ સાબવા જૂથ હાલ કેટલાક કાર્યકરો સાથે દિલ્હીના પ્રવાસે ઉપડી ગયું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાતે મુલાકાત કર્યા બાદ તેમણે પાટીદારોને અનામત મુદ્દે વરિષ્ઠ એડવોકેટ કે.ટી.એસ. તુલસી સાથે પણ મુલાકાત કરી હતી.