ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2018 (11:35 IST)

જેતપુરમાં એકસાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

સમગ્ર ગુજરાતમાં એક તરઉ ઉત્તરાયણનો શુભ પર્વ ઉજવાઈ રહ્યો હતો. તો બીજી બાજુ એક આખું ગામ શોકમય બનીને હીબકે ચઢયુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર  વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો જેતપુરના મોટા ગુંદાળા ગામના પટેલ યુવાનો હતા. ભૂજથી તમામ મૃતદેહોને આજે મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યા હતા. ત્યારે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ગામે સજ્જડ બંધ પાળ્યો છે. નવે નવ યુવાનોની એકી સાથે અર્થી ઉઠતા નાના એવું ગામ હિબકે ચડ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મોટા ગુંદાળા ગામે પહોંચી ગયા હતા. તેમજ નવે નવ યુવાનોના પાર્થિવ દેહને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ગોઝારા અકસ્માતે એક જ ગામના 9 યુવાનોનો ભોગ લેતા આખુ ગામ સ્વયંભૂ અંતિમયાત્રામાં જોડાયું હતું.