બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2019 (11:50 IST)

રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન શરૂ અપક્ષ મેવાણી કોંગ્રેસને મત આપશે

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન મતદાન યોજાઇ રહ્યું છે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે જેના પગલે ધારાસભ્યોનાં સંખ્યાબળને જોતાં ભાજપ બંન્ને બેઠકો જીતી જશે. ચૂંટણી બાદમાં મતગણતરી શરૂ થશે અને આજે જ પરિણામની પણ જાણ થઇ જશે. મહત્વનું છે કે કોંગ્રેસનાં 3 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે તેની પ્રબળ શક્યતાઓ રહેલી છે. 
કોંગ્રેસનાં ધારાસભ્યો પાલનપુરનાં બાલારામ રિસોર્ટથી સીધા જ ગાંધીનગર આવી પહોંચ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા જ ધારાસભ્યો ભાજપમાં જાય નહીં કે ક્રોસ વોટિંગ ના કરે તે માટે પાલનપુરના બાલારામ રિસોર્ટમાં ખસેડ્યા હતા.
મત્સ્યઉદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી અને ગાંધીનગર દક્ષિણનાં એમએલએ શંભુજી ઠાકોર સહાયકની મદદથી મતદાન કરશે. પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે તેમના ભાઈ હીરાભાઈ સહાયક તરીકે રહેશે.
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી બે અલગ-અલગ બેલેટમાં થવાની હોવાથી ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે તેમ છતાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને પાલનપુર ખાતરના બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે. જેમાં ઠાકોર ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ડાભી સહિતના ધારાસભ્યો કોંગ્રેસની આ યાત્રામાં જોડાયા નથી. ત્યારે આ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસની વિરુદ્ધમાં ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ છે.
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે. અને બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા પણ કોંગ્રેસને જ મત આપે તો પણ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટે જરૂરી મત મળે તેમ નથી.
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.