પરપ્રાંતિય પર હુમલાની ઘટનાઓઃ રાજ્યમાં ૫૬ ગુના દાખલ કરી ૪૩૧ આરોપીઓની ધરપકડ

gujarat violence news
Last Modified મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:48 IST)
સાબરકાંઠાના ઢૂંઢરમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલાની ઘટનાઓ વધી રહી છે..આ હુમલાથી ગભરાઈ ગયેલા પરપ્રાંતિયો હિજરત કરી રહ્યાં છે. સાત દિવસમાં 50 જેટલા હુમલાની ઘટના બની છે. બાકી હોય તો સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ઉશ્કેરણીજનક પોસ્ટ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. હાલ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન અને એસટી સ્ટેન્ડ પર પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન પણ પરપ્રાંતિયોના રહેણાંક વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં અમદાવાદમાંથી 20 હજારથી વધારે પરપ્રાંતિયો કામદારોએ ગુજરાત છોડ્યું છે. જ્યારે
પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં 342 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાત એસઆરપીની 17 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. તેમજ 20 પીએસઆઇને અસરગ્રસ્ત વિસ્તારોની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ઉપરાંત ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પણ પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વિકાસના મૂળમાં સૌનો સાથ - સૌનો વિકાસનો મંત્ર ફળીભૂત થઇ રહ્યો છે ત્યારે રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલ નાગરિકો પર થઇ રહેલા હુમલાઓ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત ચિંતત છે. અને રાજ્યમાં ભાઇચારાની ભાવનાને વધુ બળવત્તર બનાવી ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળીને વસતા અન્ય રાજ્યોના નાગરિકોને સધિયારો આપવો એ આપણી નૈતિક ફરજ છે. રાજ્યની શાંતિ - સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેવા રાજ્ય સરકાર અચકાશે નહિ રાજ્યમાં બનેલા બનાવો સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ત્યારે ગુજરાતની શાંતિ-સલામતિ ડહોળવાના પ્રયાસોને રાજ્ય સરકાર સાંખી નહિ લે.
પ્રદિપસિંહ જાડેજાએ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રહેતા વિવિધ જ્ઞાતિ-જાતિ કે ધર્મ તથા વિવિધ ભાષા ધરાવતા લોકો વર્ષોથી સુખશાંતિનો અનુભવ કરી રહ્યા છે, તે માત્રને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને સંવેદનશીલતાને આભારી છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલ નાગરિકો પર થયેલા હુમલા સંદર્ભે દુખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી પરત ફરી રહેલા અન્ય રાજ્યોના નાગરિકો પ્રત્યે ભાઇચારાની ભાવના દાખવીને તેઓને સહયોગ આપવો આપણી નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાંતિ ડહોળવા માટે કેટલાક તત્વોએ અન્ય રાજ્યોના લોકો પર હુમલાઓ કરીને લોકો-લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. જે અત્યંત દુઃખદ છે.
રાજ્યમાં બનેલ બનાવો સંદર્ભે મહેસાણા, સાબરકાંઠા, શહેર/ ગ્રામ્ય, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ૫૬ જેટલા ગુનાઓ દાખલ કરીને ૪૩૧ જેટલા આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે અસરગ્રસ્ત જિલ્લામાં ૧૭ એસ.આર.પી. કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ૨૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાહનો સાથે પણ અસરગ્રસ્ત જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે અને તેમના દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. એસ.પી. તથા આઇ.જી. કક્ષાના અધિકારીઓ સતત તેનું મોનીટરીંગ પણ કરી રહ્યા છે.
અમદાવાદ શહેર, મહેસાણા અને એમ ત્રણ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ સંદર્ભે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા ખોટા મેસેજ પોસ્ટ કરનારા ૭૦ લોકો સામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને ૧૫ લોકોને અટકાયત કરી દેવાઇ છે. ઉપરાંત મિડિયાના માધ્યમ દ્વારા પણ આવો વિરોધ કરનારા લોકોને શાંતિ જાળવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યનો કોઇપણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે અને પોલીસને સહયોગ કરે તેવી વિનંતી પણ કરાઇ છે.
આ પણ વાંચો :