શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (15:01 IST)

Rajkot AIIMS: વર્ષના અંતિમ દિવસે PM મોદીએ આપી ગુજરાતને ભેટ, જાણો કેવી હશે હોસ્પિટલ

રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું આજે પીએમ મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહેશે. રાજકોટ એઈમ્સના ખાતમુહૂર્તની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો છે. 
 
રાજકોટમાં 22મી એઈમ્સના શિલાન્યાસ પૂર્વે દેશમાં 1956માં દિલ્હીમાં પ્રથમ એઈમ્સ બની હતી અને વર્ષ 2005 સુધીમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતી તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજયમાં 15 જેટલી એઈમ્સને મંજુરી આપી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.1 હજાર 195 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજકોટ એઈમ્સનું કામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 201 એકરમાં કુલ 19 બિલ્ડીંગનું નિર્માણ કરાશે. રાજકોટ એઈમ્સમાં 750 થી વધુ પલંગ હશે, જેમાંથી 30 પલંગ આયુષ બ્લોકમાં હશે. રિપોર્ટ અનુસાર તેમાં એમબીબીએસ કોર્સ માટે 125 સીટ અને નર્સિંગ કોર્સ માટે 60 સીટ હશે.

એઇમ્સના આ ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે, આ તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહિવત થાય તે પ્રકારની બિલ્ડીંગની દીવાલ અને છતમાં મટીરીયલ વપરાશે. રાત્રી પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહિવત રહે તે માટે એનર્જી સેવિંગ સી.એફ.એલ અને એલ.ઇ.ડી. લેમ્પ નો મહત્તમ વપરાશ કરાશે.
 
આ ઉપરાંત સૂર્યપ્રકાશ આધારિત પાણી ગરમ કરવાની વ્યવસ્થા, ઓઈલ બેઝ ટ્રાસનફોર્મ્સ અને કેપેસિટર બેન્કનો ઉપયોગ, એર કન્ડિશનની હિટ ન્યુનતમ ઉભી થાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
 
આ ઉપરાંત પાણીની વિપુલ પ્રમાણમાં જરૂરિયાતને પહોંચી વળવા ખાસ આયોજન કરવામાં આવશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે રેતીનું તેમજ ઘાસનું ફ્લોરિંગ, પાણીના પુનઃ વપરાશ માટે દુષિત પાણીનું રીસાયક્લિંગ સહિતની આધુનિક વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરાશે. વાતાવરણમાં પ્રદુષણ ઉત્પન્ન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઘટકોનું ન્યુનતમ ઉત્સર્જન થાય તેમજ કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન ગેસનું શમન થાય તે પ્રકારે સીસ્ટમ ગોઠવાશે.
 
રાજકોટના ખંઢેરી ખાતે સ્થપનારી એઇમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં ૧૨૦ બેડ રહેશે, જેમાં જનરલ સર્જરીના ૬૦ બેડ, ઓર્થોપેડિકસના ૩૦, આંખના વિભાગના ૧૫, નાકની સારવાર માટે ૧૫ બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં ૧૬૫ બેડની વ્યવસ્થા રહેશે, જે પૈકી જનરલ મેડિસિનના ૬૦, બાળકોના ૬૦, ચામડીના રોગ માટે ૧૫ તેમજ મનોચિકિત્સક વિભાગમાં ૩૦ બેડની અને ગાયનેક વિભાગમાં ૭૫ બેડની સુવિધા ઉપલબ્ધ થશે.
 
સુપર સ્પેશિયાલિટી વિભાગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, બર્ન્સ તેમજ પ્લાસ્ટિક સર્જરી, બાળકોની સર્જરી, ઓન્કોલોજીના વિભાગની કુલ ૨૧૫ બેડની વ્યવસ્થા આ વિભાગોમાં રહેશે.
 
આ ઉપરાંત ઇન્ટેન્સિવ કેર અને ક્રિટિકલ યુનિટમાં ૭૫ બેડ તેમજ ટ્રોમા, આયુષ, પી.એમ.આર તેમજ અન્ય પેઈડ બેડ મળી કુલ ૭૫૦ બેડની સવલત સાથે દર્દીઓને સારવાર સેવા ઉપલબ્ધ કરાશે.