શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2017 (12:05 IST)

કરમસદમાં હાર્દિકની કાર પર શાહી ફેંકાઇ, ગો-બેકના પોસ્ટર્સ સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો

સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ સ્થિત નિવાસ સ્થાનની પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુરૂવારે મુલાકાત લીધી હતી. ત્યારે તેની કાર પર એક યુવકે કાળી શાહી ફેંકી હતી. જ્યારે કાળો વાવટો ફરકાવનાર યુવકના હાથમાંથી પાસના કાર્યકરે વાવટો ખૂંચવી લીધો હતો. અજાણ્યા યુવક કારની નજીક પહોંચી ગયો હતો. તેનો ઇરાદો હાર્દિક પટેલ પર શાહી ફેંકવાનો હતો. પરંતુ કારનો કાચ બંધ થઇ જતા તેને નિષ્ફળતા મળી હતી. ભીડને કારણે તેને ફંકેલી કાળી શાહી કારના કાચથી નીચના ભાગે પડી હતી. જ્યારે અન્ય એક યુવકે કાળો વાવટો ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને કરમસદમાં નહીં પ્રવેશવા દેવા તેમજ તેની સામે કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવાનો યુવા ભાજપ સંગઠન દ્વારા વીર વિઠ્ઠલભાઈની પ્રતિમા પાસે તૈયારી કરવામાં આવી હતી. સતત 2 કલાક સુધી હાર્દિક પટેલના ઇંતજારમાં જનતા ચોકડી પર યુવા ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.પરંતુ પોલીસે ભાજપ પાસ વચ્ચે ફીલગુડની રમત રમીને હાર્દિક પટેલના કાફલાનો રૂટ બદલી વિદ્યાનગરથી સરદાર પટેલના ઘરે લઇ જતાં ભાજપની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ કરમસદમાં સરદાર પટેલના ઘરે મુલાકાત લેવા ગુરુવારના રોજ સાંજના 4 વાગે આવનાર છે. તેને ધ્યાને લઇ આણંદ-વિદ્યાનગર અને કરમસદના યુવા ભાજપના નેતાઓએ હાર્દિક પટેલને કરમસદમાં પગ નહીં મુકવા દેવા અને તેની સામે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવાની તૈયારીઓ કરી હતી. તે તૈયારીના ભાગરૂપે વીર વિઠ્ઠલભાઈની પ્રતિમા પાસે બપોરના 3 વાગ્યાથી ભાજપના કાર્યકરો એકત્ર થઇ કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરતાં રહ્યા હતા. સતત ત્રણ કલાક સુધી હાર્દિકના ઇંતજારમાં અવાર-નવાર સૂત્રોચ્ચાર કરતાં રહ્યા હતા. પરંતુ અંતિમ સમયે પોલીસ સમયે સમયસૂચકતા  વાપરીને રૂટ બદલી વિદ્યાનગરથી કરમસદ સરદાર પટેલના ઘરે લઇ જતાં ભાજપના કાર્યકરોને વિરોધ નોંધાવવાનો મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું.  કરમસદમાં સરદાર પટેલના નિવાસ સ્થાને મુલાકાત લેવા માટે હાર્દિક પટેલ ગુરુવારના રોજ આવવાનો હતો. જેથી ગામના નાગરિકોએ ભેગાં મળી પાટીદાર અનામતના નામે  સરદાર પટેલનું નામ વટાવીને પાટીદારોને ગુમરાહ કરવાનું કામ કરી રહેલા હાર્દિક પટેલને ગામમાં પ્રવેશવા ન દેવા માટે તૈયારીઓ કરી હતી. જેના ભાગરૂપે ગામના મુખ્ય બસસ્ટેશન પાસે, વીર વિઠ્ઠલભાઈની પ્રતિમા પાસે, સોજિત્રા રોડ પર ચાર જગ્યાએ હાર્દિક ગો-બેકના પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.