ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:47 IST)

અમદાવાદમાં પરિણિતાએ સાસરિયા અને પતિ સામે ત્રિપલ તલાકની ફરિયાદ કરી

ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ અમદાવાદમાં જુહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક તેમજ ત્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીને ઘરે પરત લાવવા પિયરમાંથી રૂપિયાની માંગ કરી હતી જેના માટે ના પાડતા પતિએ ત્રણ વાર તલાક તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા. જુહાપુરા અલઅમીના સોસાયટીમાં રહેતી ખુશ્બુબાનું શેખના નવ મહિના પહેલા દરિયાપુરમાં રહેતા સોહેલ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે માસ સુધી પતિ અને સાસરિયાઓએ સારો વ્યવહાર કર્યો હતો. પરંતુ બાદમાં સાસુ અને સસરાએ નાની-નાની વાતમાં બોલાચાલી શરૂ કરી હતી. નવો ધંધો શરૂ કરવા સોહેલે ખુશ્બુબાનુને પિયરમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જેથી તેના પિતાએ બે લાખ રૂપિયા આપ્યા હતા. ભાઈઓને ઘરે જતી ત્યારે શંકા કરી તારે કોઈ સાથે અફેર છે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો. રમઝાન મહિનામાં ખુશ્બુબાનું બીમાર પડી હતી ત્યારે દવા ન કરાવતા ખુશ્બુબાનું તેના પિયર જતી રહી હતી. 19 ઓગસ્ટના રોજ સોહેલે આવીને કહ્યું હતું કે ઘરે આવવું હોય તો તારા પિતા પાસેથી એક લાખ રૂપિયા લઈ આવજે. જે માટે ના પાડતા સોહેલે હવે મારે તારી જરૂર નથી કહી ત્રણ વાર તલાક તલાક બોલી છૂટાછેડા આપી જતો રહ્યો હતો. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.