સુરતમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે ફાર્મ હાઉસમાં ભોજન સમારંભનો મેળાવડો કર્યો
કોરોના ગાઈડલાઈન્સનું નેતાઓ જ પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિતના લોકો માસ્ક વગર દેખાયા છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતા આ ભોજન સમારંભ અંગે પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય છે. અમે ગાઈડલાઈન્સ પ્રમાણે 100 લોકો જમી લે પછી 100 લોકોને જમવાનું કરેલું. ભાજપની જેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા નહોતા છતાં અમારા પણ દબાણ થઈ રહ્યું છે.યોગી ચોક નજીક પુણા વિસ્તારની હદમાં આવેલા સરદાર ફાર્મ ખાતે પૂર્વ કાઉન્સિલર દ્વારા બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરતાં અને લાઈનમાં ઊભા રહેલા દેખાય છે. તમામ લોકો માસ્ક વગર દેખાય છે. એ સાથે પીરસનારા અને ખુદ નિલેશ કુંભાણી પણ લાડવા પીરસતી વખતે માસ્ક વગર જોવા મળ્યા છે.પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે અમે ગાઈડલાઈન્સ પ્રમાણે કાર્યક્રમ યોજ્યો હતો. મર્યાદિત સંખ્યા હતી. ભાજપના નેતાઓની જેમ અમે મેળાવડો કર્યો નહોતો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કામ કરી રહ્યા છીએ, પરંતુ એ પણ કરવા દેવામાં આવતું નથી. ભાજપના નેતાઓ કરે તો કોઈ કાર્યવાહી નહીં અને સામાન્ય લોકો પર જ કાર્યવાહી કરવામાં આવે છે