શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (10:39 IST)

ચૂંટણી બાદ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા,ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે

ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે
 
કોરોનાને કારણે 2020ના માર્ચ મહિનાથી સરકારે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરુ કર્યું હતું. ત્યારે રાજ્યની પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ અભ્યાસથી વંચિત ના રહેવું પડે તે માટે ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સરકારે 10 મહિનાના લાંબા ગાળા બાદ આગામી 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી8ના વર્ગો શરુ કરી દેવાની જાહેરાત કરી છે. તેની સાથે હવે ચૂંટણી બાદ માર્ચ મહિનામાં ધોરણ 1થી5ના વર્ગો શરુ કરવા સરકાર અને શિક્ષણ વિભાગે વિચારણા શરુ કરી છે. 
ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે
ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો થતા હવે સ્થિતિ ઘણી સામાન્યતઃ બની રહી છે. ત્યારે સરકારે શિક્ષણને ધીર ધીરે અનલોક કરતા પ્રથમ યુજી-પીજી છેલ્લા સેમેસ્ટરની કોલેજો અને ધો.10-12ની સ્કૂલો શરૃ કરી હતી. ત્યારબાદ ધો.9 અને 11ની સ્કૂલો શરૃ કરી અને ત્યારબાદ પ્રથમ વર્ષની કોલેજો પણ શરૃ કરી દીધી છે. સરકારે આગળના તબક્કામાં 18મીથી ધો.6થી8ના વર્ગો પણ શરૃ કરવાની જાહેરાત કરી દીધી છે. જો કે હાલ ચૂંટણીને લીધે શિક્ષકો કામગીરીમા રોકાયા હોવાથી સરકારે થોડો વહેલો નિર્ણય લીધો હોવાની ફરિયાદો છે.સરકારે માર્ચમાં જ ધો.૬થી૮ના વર્ગો શરૃ કરવા જોઈતા હતા તેવી માંગો છે.જો કે સરકાર હવે ચૂંટણી બાદ માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.1થી5ની સ્કૂલો પણ નિયમિત રીતે શરૃ કરે તેવી શક્યતા છે.
ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે
ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પુરી થયા બાદ થશે.
વર્ગખંડ ન જનાર બાળકો માટે ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે
રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.
પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કરાયો
ગુજરાતમાં કોરોનાના ઘટતા કેર વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ગત 9 ફેબ્રુઆરીથી તમામ પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કર્યો હતો. અત્યાર સુધી પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામાં આવતા હતા. પરંતુ હવે તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા આદેશ આપવામાં આવ્યો છે.