શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (11:57 IST)

અબુધાબીમાં કમાવા ગયેલા નવસારીનાં 5 ખલાસીને પૈસા ન ચૂકવાતાં ઘરે આવવાના ફાંફાં

ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી 7 મહિના અગાઉ અખાતી દેશ અબુધાબીમાં માછી મારી માટે ગયેલા પાંચ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પાછા ફરતા અટકાવતા તેઓ ભૂખ્યા પ્યાસા દયનિય સ્થિતિમાં મુકાઇ ગયા છે. તેમના પરિવારજનો એ મદદ ના પોકાર સાથે સાંસદ સી.આર.પાટીલ ને ટહેલ નાખી છે.સંયુક્ત આરબ અમીરાત ના અબુધાબી પોર્ટ ઉપર ફિશિંગ કરવા સાત મહિના અગાઉ ગણદેવી મેધરભાટ ના પાંચ ખલાસીઓ ગયા હતા.

 તેઓ ગત તા.31મી ડિસેમ્બર 2018થી  અબુધાબી પહોંચ્યા હતા.  અબુધાબીના દૂર દરિયામાં તેઓ મચ્છી પકડવાના પાંજરા નાખી વિપુલ પ્રમાણમાં મચ્છીમારી કરતા હતા. તેઓએ બે ફિશીંગ ટ્રીપ સફળતા પૂર્વક પાર પાડી લાખો દિરહામની કમાણી કરી આપી હતી. તેમ છતાં બોટ માલિકે યેનકેન પ્રકારે મહેનતાણું કે તેમનો હિસ્સો ચૂકવ્યો ન હતો.દેવું કરીને અબુધાબીની સફર બાદ મહેનતાણું ન મળતા તેઓ કફોડી હાલતમાં મુકાયા હતા. તેમજ ઘર પરિવાર માટે પણ પૈસા ન મોકલી શકાતા તેઓના પરિવારની હાલત પણ દયનીય બની ગઈ હતી. દરમ્યાન ગત તા. 1/5/19ના રોજ અબુધાબીમાં મચ્છીમારીની સીઝન પૂર્ણ થતાં કામકાજ બંધ થયું હતું. તેમ છતાં સ્વદેશ પરત ફરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી.જેને કારણે ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. જે બાદ તેઓ એ સ્થાનિક પોલીસમાં અરજ કરતા પોલીસ પાસપોર્ટ અપાવ્યા હતા.જે બાદ ત્રણ સપ્તાહ અગાઉ ગત તા.21/6/19ના રોજ તેઓ એ સ્વદેશ પરત ફરવા શારજાહથી સુરતની કન્ફરમેશન ટિકિટ કરાવી હતી.પરંતુ ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોંચ્યા ત્યાં તો બોટ માલિકે તેમની ઉપર કેસ કરી દેતા એરપોર્ટે કલિયરન્સ ના અભાવે સ્વદેશ આવી ન શક્યા. અને સ્વદેશ પરત ફરવાના સ્વપ્ના ચકનાચૂર થયા હતા. તેઓ એ પોતાની આપવીતી પરિવારજનો ને જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. જેને પગલે મૅધર ભાટ ગામ ના અગ્રણી ઠાકોર ટંડેલ,તાલુકા પંચાયત સભ્ય મથુરભાઈ ટંડેલ અને પાંચેય ખલાસીઓના પરિવારજનો એ સાંસદ સી.આર. પાટીલ ની મુલાકાત લઈ સમગ્ર ઘટના ની જાણ કરી હતી.જે બાદ સાંસદ એ ભારત સરકારના વિદેશ મંત્રાલય નો સંપર્ક સાધી પાંચેય ખલાસીઓ ને સ્વદેશ પરત લાવવાનો દિલાસો આપ્યો હતો.