શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 ઑગસ્ટ 2024 (12:32 IST)

ગુજરાતમાં ઠેર-ઠેર ભારે વરસાદ, અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી મદદની બાંહેધરી આપી

ગુજરાતમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

rain in ahmedabad
rain in ahmedabad
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
 
તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.
 
શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
 
દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.
rain in ahmedabad
rain in ahmedabad
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
 
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.
 
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
 
ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે અને સતત અલગઅલગ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
 
કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
 
ગુજરાતવેધરની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના લગભગ 140 તાલુકામાં રવિવારે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
 
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના જ કપરડા અને પારડી તાલુકામાં 12-12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
 
બીબીસી ગુજરાતીના સહયોગી સચિન પીઠવાએ આપેલી માહિતી પ્રમાણે, ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ડેમના 15 દરવાજાને લગભગ 10 ફૂટ ખોલવામાં આવ્યાં છે.
 
સુરતના ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં લગભગ 11 ઇંચ, વલસાડના ધરમપુર તાલુકામાં નવ ઇંચ અને મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો.
 
આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, દાહોદ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને પંચમહાલ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્ય મંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.
 
સમાચાર એજન્સી એએનઆઈનાં અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.
 
ગુજરાતમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.
 
હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
 
ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.
 
27થી 29 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.