1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (17:39 IST)

રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં હવે શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, હાલ અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી વધી રહી છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે હજી પણ ખેતરમાં રહેલા રવી પાક પર તેની અસર થાય તેવી શક્યતા છે. 29 ફેબ્રુઆરીના રોજ ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ વધારે મજબૂત હોવાને કારણે ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં તેની અસર થશે અને કેટલાંક રાજ્યોમાં ભારે તથા કેટલાંક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
 
ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એકબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારત પર શરૂ થઈ જશે. આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં થશે અને ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ થશે.
 
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ થશે. આ બે દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટાશે.
 
આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત વરસાદ સાથે થશે ઉપરાંત ગુજરાતમાં પવનની દિશા પણ બદલાશે અને તેની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.
 
રાજ્યના કયા જિલ્લામાં વરસાદની આગાહી?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ભારતની નજીક પહોંચશે ત્યારે તેને અરબી સમુદ્રમાંથી પણ મદદ મળશે. દરિયા પરથી આવતા પવનો ભેજ લાવશે, જેના કારણે આપણે ત્યાં વરસાદ પડશે.
 
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 1 માર્ચના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્રા સુરેન્દ્રનગર તથા બોટાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
2 માર્ટના રોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ તથા છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આ ઉપરાંત હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક બીજા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન વધશે અને રાત્રી દરમિયાનના લઘુતમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે.
 
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર તથા રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે.