ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ઑગસ્ટ 2019 (15:43 IST)

ટ્રેક્ટર લઈને નદી પાર કરવા જતાં 11 લોકો તણાયા, આર્મીએ ત્રણને બચાવ્યાં

ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામ ખાતે 11 જેટલા લોકો નદીના પ્રવાહમાં તણાયા હતા. આર્મીના જવાનોએ જીવના જોખમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા છે. જ્યારે આઠ જેટલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ધ્રાંગધ્રાના વાવડી ગામે ફલકુ નદી આવેલી છે. વિસ્તારમાં 24 કલાકમાં વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ દરમિયાન 11 જેટલા લોકોએ ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાયું હતું. શરૂઆતમાં ત્રણ લોકો નદીમાં તણાયા હતા અને બાકીના લોકો ટ્રેક્ટરની છત્રી પર બેસી ગયા હતા.નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હોવાનું જાણ્યા બાદ તંત્ર મદદ માટે પહોંચી ગયું હતું. આ દરમિયાન આર્મીની બે ટુકડી પણ અહીં આવી પહોંચી હતી. જોકે, તંત્ર અને આર્મી કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ ટ્રેક્ટર પર સવાર તમામ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ દરમિયાન આર્મીના જવાનોએ જીવના જોખમે નદીના પાણીમાં તરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે આઠ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.નદીના પાણીમાં તણાયેલા લોકોને શોધવા માટે તંત્રએ હેલિકોપ્ટરની મદદ માંગી છે. હેલિકોપ્ટરથી બાકીના લોકોની શોધખોળ કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા. તણાયેલા લોકોમાં બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે.ધ્રાંગધ્રા તાલુકામાં વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન તાલુકામાં 15 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.