ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (06:39 IST)

ગુજરાતમાં આ તારીખોમાં પડશે ભારે વરસાદ, બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સર્જાતા ફરી પડશે વરસાદ

rain in gujarat
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચારથી પાંચ દિવસોમાં વરસાદ પડી રહ્યો હતો. પણ જે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ પડતો હતો. તે સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે.
 
હવે એ સાઇક્લોનિક સર્ક્યૂલેશન ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. એટલે આગામી ચાર પાંચ દિવસ રાજ્યમાં પડી રહેલા વરસાદમાં ઘટાડો થશે.
 
જોકે સારા સમાચાર એ પણ છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે. જેનાથી પાંચ દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદ પડી શકે છે.
 
બંગાળની ખાડીમાં વઘુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં આ સિસ્ટમથી લો પ્રેશર બની જશે.
 
લો પ્રેશર સર્જાશે એટલે સિસ્ટમ મજબૂત બનશે. જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી પસાર થઈને ગુજરાત પર આવી શકે છે.
 
જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે.
 
જોકે, તેની વાસ્તવિક સ્થિતિનો તાગ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય ત્યારે જ મેળવી શકાય. અને હવામાન વિભાગની આગાહી મુજબ હાલની સ્થિતિએ તેને 48 કલાક એટલે કે બે દિવસનો સમય લાગી શકે છે.
 
ફરીથી વરસાદની શરૂઆત ક્યારે થશે?
 
આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
 
હવામાન વિભાગની આગાહી મુજબ 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ શરૂ થઈ જશે.
 
તેની શરૂઆત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી થઈ શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ રાજપીપળા, છોટાઉદેપુર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
 
વરસાદ 17-18 તારીખથી પાંચ દિવસ રહી શકે છે. એટલે કે 23-24 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.
 
જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધશે તો તેનાથી સૌરાટ્રના જિલ્લાઓ ભાવનગર, જામનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 
 
જિલ્લા વાર સ્થિતિ શું રહેશે? 
આગામી ચાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપીના જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
 
અહીં ભારે વરસાદની કોઈ આગાહી નથી. આ સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા નથી. છૂટાંછવાયાં ઝાપટાં પડી શકે છે.
 
સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી. આ જિલ્લાઓમાં પણ એકાદ ઝાપટું પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.