બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (16:44 IST)

બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, બોડેલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ

ગુજરાતમાં શ્રાવણમાં વરસાદે ખૂબ રાહ જોવડાવ્યા પછી હવે ભાદરવો ભરપૂર રહેશે એવુ લાગી રહ્યુ છે. વરસાદ ખેંચાયા બાદ ફરી એકવાર માહોલ જામતા સ્થાનિકોએ હાશકારો લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ હજુ પણ રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને ઘરોમાં હરકલી કોતરનું પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. બોડેલીના દીવાન ફળીયા, રજાનગર, અલીપુરા અને ઢોકલિયા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરક થઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
 
સંખેડામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાય ગયા છે. આખુ ગામ સંપર્ક વિહોણુ થયુ છે.   રસ્તાઓ પર માણસ ડૂબી જાય તેટલુ પાણી ભરાઇ ગયું છે. આ ઉપરાંત સંખેડા તાલુકાનું ઝાબ ગામ અને ઝાબ વસાહત સંપર્ક વિહોણા બન્યા છે. ઝાબ ગામ અને ઝાબ વસાહત તરફ જવાના રસ્તા ઉપર કમર સમાં પાણી ફરી વળ્યા છે. કોતર નજીક ચારથી પાંચ ઘરમાં પાણી ભરાઇ ગયા છે.
આજે રાજ્યના મહેસાણા, બનાલકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થશે અને પવન પણ ફૂંકાશે.