શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2017 (12:29 IST)

ઈથિલિન મોંઘુ હોવાથી કેરી પકવવા માટે જોખમી કાર્બાઈડનો ઉપયોગ

અમદાવાદમાં કેરીની સિઝનનો ધમધમાટ શરૂ થયો છે. આની સાથે-સાથે કાચી કેરીને કૃત્રિમ રીતે પકાવીને ટૂંકા સમયમાં વધુ નફો કમાઇ લેનારાં લેભાગુ તત્ત્વો પણ મેદાનમાં આવી ગયાં છે. ચાલુ વર્ષે ઇથિલીન નામના પર‌મિટેડ સફેદ રંગના પાઉડરથી અમુક ઠેકાણે કેરીઓને પકાવાઇ રહી છે, પરંતુ ઇથિલીન મોંઘું હોઇ નફાખોરો અગાઉનાં વર્ષોની જેમ કેરીને કૃત્રિમ રીતે પકાવવા કાર્બાઇડનો જ છૂટથી ઉપયોગ કરી રહ્યા છે

. કેટલાક વેપારીઓ કેરીના બોક્સમાં ઇથિલીનની દસ ગ્રામની સફેદ રંગના પાઉડરની પડીકી મૂકીને કેરીને પકાવવાનું પસંદ કરી રહ્યા છે. ચાલુ વર્ષે આ નવી તરાહ નીકળી છે. ફૂડ સેફ્ટી એકટ મુજબ ઇથિલીનનો ગેસ કે પાઉડર સ્વરૂપે કેરી પકાવવા ઉપયોગ કરી શકાય છે, જોકે ઇથિલીનની દસ ગ્રામની પડીકી પાંચ રૂપિયામાં આવતી હોઇ એક કિલો ઇથિલીન માટે પાંચસો રૂપિયા ચૂકવવા પડે છે. ઇથિલીન પાઉડરની પડીકી કેરીના બોક્સમાંથી પકડાય તો કોઇ કેસ બનતો નથી. વેલ્ડિંગના કામમાં વપરાતું કાર્બાઇડ ઘણું સસ્તું છે. એક કિલો કાર્બાઇડ ફક્ત રૂ.૪૦ના ભાવે ઉપલબ્ધ છે એટલે નફાખોર તત્ત્વો કાળા રંગના કાર્બાઇડથી કૃત્રિમ રીતે પકાવેલી કેરીથી પેટમાં ગેસ થઇને પાચનક્રિયા મંદ પડે છે. કાર્બાઇડની અશુદ્ધિથી ચામડીના રોગ તેમજ શ્વાસોશ્વાસની તકલીફ જેવી શારીરિક સમસ્યાઓ ઉદ્ભવે છે. કોર્પોરેશનના દરોડામાં કાર્બાઇડનો જથ્થો પકડાય તો રૂ.પ,૦૦૦ સુધીનો દંડ ચૂકવવો પડે છે તેમજ અમુક કિસ્સામાં તંત્ર દુકાન કે ગોડાઉનને સીલ મારે છે. તેમ છતાં નફાખોર તત્ત્વો ઇથિલીનના બદલે કાર્બાઇડનો આ વર્ષે પણ બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કોર્પોરેશને કાલુપુર અને નરોડા ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડીને બે કિલો કાર્બાઇડ જપ્ત કર્યું છે, જ્યારે ગત સિઝનમાં સત્તાવાળાઓએ વિવિધ ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડીને કાર્બાઇડનો ૩૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે તંત્રની પકડથી બચવા માટે લેભાગુ તત્ત્વો શહેરની હદ બહારના એસપી રિંગરોડ કે તેની નજીકના કઠવાડા જેવાં ગામોમાં મોટાં ગોડાઉન રાખીને ત્યાં કાચી કેરીને કાર્બાઇડથી કૃત્રિમ રીતે પકાવીને પછી શહેરનાં ફ્રૂટ માર્કેટમાં ઠાલવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં બહારગામની દરરોજ કેરીની ચાર ટ્રક આવતી હોઇ એક ટ્રકમાં અંદાજિત દસ ટન કેરીનો જથ્થો હોય છે.